સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના બાપુનગરમાં દિવાળીની ભીડ, પણ મોંઘવારીએ ખરીદશક્તિ ઘટાડી

અમદાવાદના બાપુનગરમાં દિવાળીની ભીડ, પણ મોંઘવારીએ ખરીદશક્તિ ઘટાડી

દિવાળી નજીક આવતાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલું બાપુનગર માર્કેટ ખરીદારોથી ખીચોખીચ ભરાઈ ગયું છે. ભદ્ર પછી શહેરનું બીજું સૌથી મોટું માર્કેટ ગણાતા બાપુનગરમાં પૂર્વ અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર શહેરમાંથી હજારો લોકો ઉમટી રહ્યા છે. બપોર પછી બજારમાં પગ મૂકવાની જગ્યા રહેતી નથી, જેથી સાંજે ટ્રાફિક જામ થાય છે અને સુરક્ષાને ધ્યાને રાખીને મુખ્ય માર્ગ પર વાહનોની એન્ટ્રી બંધ કરવી પડે છે.

પરંતુ આ ભીડ પાછળ એક કડવું સત્ય છે. બજારમાં દરેક વ્યક્તિ ગ્રાહક નથી. વધતી મોંઘવારીએ સામાન્ય માણસની ખરીદશક્તિ ઘટાડી છે. લોકો બજારમાં આંટા મારવા અને ભાવતાલ કરવા આવે છે, પણ પોતાની ઈચ્છાઓને મારીને માત્ર જરૂર પૂરતી ખરીદી કરી રહ્યા છે. મધ્યમ વર્ગના વાલીઓ પોતાના માટે કપડાં કે ઘરની ચીજવસ્તુઓ લેવાનું ટાળે છે, પણ બાળકોના ચહેરા પર ખુશી જોવા માટે બજેટ ન હોવા છતાં તેમના માટે ખરીદી કરે છે. પરિણામે દુકાનો પર ભીડ હોવા છતાં ગલ્લામાં આવક અપેક્ષા કરતાં ઓછી છે.

આ ઉપરાંત ટ્રાફિકની અવ્યવસ્થાએ લોકોની હાલાકી વધારી છે. સાંજે મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર બંધ કરાયા બાદ આસપાસના વૈકલ્પિક રસ્તાઓ અને ચોકડીઓ પર ટ્રાફિકનું ભારણ અસહ્ય બની જાય છે. વાહન પાર્કિંગની વ્યવસ્થિત વ્યવસ્થા નથી અને ટ્રાફિક પોલીસના યોગ્ય માર્ગદર્શનના અભાવે અંદરની ગલીઓમાં કલાકો સુધી વાહનો ફસાઈ રહે છે. સિનિયર સિટીઝન્સ, મહિલાઓ અને નાના બાળકો સાથે આવેલા લોકોને ભારે હાલાકીનો સામો કરવો પડે છે. મોંઘવારીના બોજ નીચે દબાયેલા લોકો માટે તહેવારની ખરીદી હવે આનંદને બદલે કસોટી સમાન બની ગઈ છે.