રાજ્યમાં વીજળીના વપરાશ પર નિયંત્રણ હોવાને કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ આ વર્ષે દિવાળી દરમિયાન શહેરમાં કરવામાં આવતી રોશનીમાં ઘટાડો કર્યો છે. અગાઉ શહેરમાં અંદાજે 118 સ્થળોએ રોશની કરવામાં આવતી હતી, જે આ વર્ષે ઘટાડીને માત્ર સાત સ્થળોએ જ કરવામાં આવશે.
દર વર્ષે દિવાળી નિમિત્તે સાબરમતી નદી પરના 7 બ્રિજ સહિત અન્ય 45 બ્રિજ, 46 ટ્રાફિક સર્કલ, 7 અંડરપાસ, 11 હેરિટેજ દરવાજા અને 2 શિલ્પ સહિત કુલ આશરે 118 સ્થળોએ રોશની કરવામાં આવતી હતી. જોકે, વીજ સંકટને ધ્યાનમાં રાખીને આ વર્ષે મહાનગરપાલિકા માત્ર સાત સ્થળોએ જ લાઈટિંગ કરશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા તરફથી સાબરમતી નદીના બ્રિજ, શહેરના વિવિધ બ્રિજ, અંડરબ્રિજ, ટ્રાફિક સર્કલો અને સરકારી ઈમારતો પર રોશની કરવામાં આવતી હતી. વર્તમાન વીજ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુભાષ બ્રિજ સિવાય સાબરમતી નદી પરના છ બ્રિજ અને નગરદેવી ભદ્રકાળી મંદિર, એમ કુલ સાત જગ્યાએ જ રોશની કરવામાં આવશે. શહેરની અન્ય કોઈ જગ્યાએ મહાનગરપાલિકા લાઈટિંગ કરશે નહીં.
રોશનીનો સમય પણ ઘટાડવામાં આવ્યો છે. અગાઉ લાઈટ સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવતી હતી, પરંતુ આ વર્ષે સાંજે 7 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી જ લાઈટ ચાલુ રહેશે. આમ, દિવાળીના તહેવાર દરમિયાન શહેરની ચમકમાં ચોક્કસ ઘટાડો જોવા મળશે.