દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતમાં અનેક ઘટનાઓ બની છે. અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ફટાકડા ફોડવાની બાબતે બે જૂથ વચ્ચે ધોકાવાળી અને 3 રાઉન્ડ ફાયરિંગ થયું હતું, જેનાથી પોશ વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
દિવાળીની રાત્રે રાજ્યમાં કુલ 5 હત્યાની ઘટનાઓ બની છે. સુરતમાં ફટાકડા ફોડવા મામલે બે અને રાજકોટમાં એક વ્યક્તિની હત્યા થઈ છે. ભાવનગરમાં એક યુવકને ધારિયાથી મારી નાખવામાં આવ્યો છે, જ્યારે અમરેલીમાં એકને છરી મારીને ઉતારી પાડવામાં આવ્યો છે. પોલીસે આ તમામ ઘટનાઓમાં તપાસ હાથ ધરી છે.
અમદાવાદ, વડોદરા અને સુરતની બેન્કોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકીમાં 21મી તારીખે અમદાવાદમાં યોજાનાર દિલજીત દોસાંઝના કોન્સર્ટનો પણ ઉલ્લેખ છે. વાલીઓને સંબોધીને કહેવામાં આવ્યું છે કે ગુજરાતીઓ તમારા છોકરાઓને બચાવો, દલજીતના કોન્સર્ટમાં કોઈ ન જાય. પોલીસે આ ધમકીને ગંભીરતાથી લઈને સુરક્ષા વ્યવસ્થા વધારી છે.
જૂનાગઢમાં આદમખોર દીપડાનો આતંક ચાલી રહ્યો છે. મેંદરડાના દાત્રાણા ગામે 8 વર્ષના બાળકનો દીપડાએ શિકાર કર્યો છે. પિતા પાછળ દોડ્યા હતા પણ તેને બચાવી શક્યા નહોતા. બે દિવસમાં દીપડાએ બે માસુમોનો ભોગ લીધો છે. વન વિભાગે દીપડાને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે.
ડાકોરમાં રણછોડરાયના દરબારમાં 151 મણનો ભવ્ય અન્નકૂટ ઉત્સવ યોજાયો હતો. 80 ગામના લોકોએ અન્નકૂટ લૂંટીને ભગવાનના પ્રસાદનો લાભ લીધો હતો. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
અમદાવાદમાં ફૂલ બજારમાં નવા વર્ષના વધામણાં માટે ભીડ જામી છે. ગલગોટા અને ગુલાબના ભાવમાં 50 ટકાનો ઉછાળો આવ્યો છે. આજે રાતભર ફૂલ બજાર ધમધમશે. દિવાળીની રાત્રે અમદાવાદ અને સુરત ફટાકડા અને રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા. ફટાકડાના રંગબેરંગી પ્રકાશે આકાશને સજાવી દીધું હતું, અને ડ્રોનમાં અદભૂત નજારો કેદ થયો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને દિવાળી ભેટ આપી છે. સરખેજ-ઈસ્કોન ઓવરબ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. વાડજમાં રામાપીરના ટેકરા પર આવાસ યોજનાનો ડ્રો જીતનાર મકાન માલિકોને ઘરની ચાવી સોંપવામાં આવી છે. જનસભાને સંબોધતા અમિત શાહે બે વર્ષમાં ગુજરાતને ડ્રગ્સ ફ્રી કરવાનો દાવો કર્યો છે.
પોલીસ સાથેના શુભેચ્છા કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીઓને ટકોર કરી છે. તેમણે કહ્યું કે કોઈની હાય લીધી તો અહીં જ ચૂકવવી પડશે. અધિકારીઓ કે મંત્રીઓથી છુપાવી શકશો પણ કર્મના ફળથી નહીં બચી શકાય.