સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં દિવાળી પહેલા ચાર જીવલેણ અકસ્માત, ચાર લોકોનાં મોત

અમદાવાદમાં દિવાળી પહેલા ચાર જીવલેણ અકસ્માત, ચાર લોકોનાં મોત

અમદાવાદમાં દિવાળીના તહેવારો દરમિયાન શહેર અને એસ.પી. રિંગ રોડ પર અલગ-અલગ ચાર જીવલેણ અકસ્માતો થયા છે. આ ઘટનાઓમાં બે મહિલા સહિત ચાર નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. હાથીજણ સર્કલ, વટવા જીઆઇડીસી, ઓગણજ ટોલટેક્સ અને રાજેન્દ્રપાર્ક બ્રિજ પાસે આ અકસ્માતો થયા હતા. તમામ ઘટનાઓમાં અકસ્માત સર્જનારા વાહનચાલકો ફરાર થઈ ગયા છે. ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને ફરાર વાહનચાલકો સામે તપાસ શરૂ કરી છે.

ઘટના 1: હાથીજણ સર્કલ પાસે ટ્રકે ટક્કર મારતાં વટવાની 22 વર્ષીય પરિણીતાનું મોત થયું છે. વટવા ખાતે રહેતી આ મહિલાના લગ્ન છ મહિના પહેલા હીરાવાડી ખાતે રહેતા વ્યક્તિ સાથે થયા હતા. 4 નવેમ્બરના રોજ સાંજે તેઓ પોતાના મોપેડ પર સાસરી જવા નીકળ્યા હતા. એસ.પી. રિંગ રોડ પર હાથીજણ સર્કલ પાસે પાછળથી ઝડપથી આવી રહેલા ટ્રકે મોપેડને ટક્કર મારી હતી. અકસ્માતમાં મહિલા નીચે પટકાયા હતા અને ટ્રકનું વ્હીલ તેમના પગ પરથી પસાર થયું હતું. ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રકચાલક વાહન મૂકીને નાસી ગયો હતો.

ઘટના 2: વટવા જીઆઇડીસીમાં કન્ટેનર ટ્રકની ટક્કરથી એક વૃદ્ધ વેપારીનું ઘટનાસ્થળે મોત થયું છે. વટવા જીઆઇડીસી વિઠ્ઠલનગરના ટેકરા પાસે રહેતા કાપડના વેપારી 5 નવેમ્બરના રોજ પોતાની પત્ની સાથે મોપેડ પર મહેમદાવાદ ખાતે દીકરીના સાસરે ગયા હતા. સાંજે પરત ફરતી વખતે તેઓ વટવા જીઆઇડીસી એસ.પી. રિંગ રોડ પર ટ્રાફિકમાં ઊભા હતા, ત્યારે પાછળથી આવેલા કન્ટેનર ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માતમાં વેપારી બાજુમાં પટકાયા હતા, જ્યારે તેમના પત્ની ટ્રક તરફ પટકાતા કન્ટેનરનું વ્હીલ તેમના શરીર પરથી પસાર થયું હતું અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જીને ટ્રકચાલક સ્થળ પર ટ્રક મૂકીને ભાગી ગયો હતો.

ઘટના 3: ઓગણજ ટોલટેક્સ પાસે રોંગ સાઇડમાં આવતા બાઇકની ટક્કરે બાઇકચાલકનું જ મોત થયું છે. શીલજ ચાર રસ્તા પાસે છૂટક મજૂરી કરતો એક યુવક 30 ઓક્ટોબરના રોજ રાત્રે આઠ વાગ્યાની આસપાસ મિત્ર સાથે મોટરસાયકલ પર અડાલજથી સામાન લઈને પરત શીલજ આવી રહ્યો હતો. એસ.પી. રિંગ રોડ પર વૈષ્ણોદેવીથી ઓગણજ તરફ આવતી વખતે ઓગણજ ટોલટેક્સથી 200 મીટર પહેલા સામેથી ઓગણજ તરફથી રોંગ સાઇડમાં ઝડપથી બાઇક લઈને આવેલા શખ્સે યુવકના બાઇકને સામેથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ત્રણેય જણા રસ્તા પર પટકાતા ગંભીર ઈજાઓ થઈ હતી. સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન રોંગ સાઇડમાં વાહન ચલાવનાર યુવકનું મોત નીપજ્યું હતું.

ઘટના 4: રાજેન્દ્રપાર્ક બ્રિજ પાસે અજાણ્યા વાહને ટક્કર મારતાં એક માર્બલ કારીગરનું મોત થયું છે. રાજસ્થાનના સિરોહી જિલ્લાના વતની અને અમરાઈવાડીમાં મંદિર બનાવવાનું કામ કરતા આ કારીગર 22 ઓક્ટોબરના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યા પહેલા રાજેન્દ્રપાર્ક બ્રિજ ચડતા પહેલા રસ્તો ઓળંગી રહ્યા હતા, ત્યારે કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી દીધી હતી. માથા અને શરીરે ગંભીર ઈજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ કારચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. મૃતકની ઓળખ થયા બાદ પૂણે રહેતા તેમના કાકાએ ‘આઈ’ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.