અમદાવાદમાં દિવાળીની રાત્રે ફટાકડા અને શોર્ટ સર્કિટને કારણે શહેરના વિવિધ ભાગોમાંથી આગ લાગવાના કુલ 26 કોલ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મળ્યા હતા. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાં અલગ-અલગ સ્થળોએ આગ લાગી હતી. ફાયર ફાઈટરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની ટીમોને સમગ્ર શહેરમાં હાઈ એલર્ટ પર રાખવામાં આવી હતી. રાત્રે લોકોએ આતશબાજી શરૂ કરતાં જ કંટ્રોલ રૂમમાં કોલ આવવાનું શરૂ થયું હતું. રાત્રે 10 વાગ્યા સુધીમાં 26 સ્થળોએ આગ લાગવાના કોલ મળ્યા હતા. ફાયર કંટ્રોલ રૂમે તરત જ સંબંધિત વિસ્તારના નજીકના ફાયર સ્ટેશનની ગાડીઓને ઘટનાસ્થળે રવાના કરી હતી.
ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ લાગવાના મોટાભાગના કિસ્સાઓમાં ફટાકડાના તણખા કચરાના ઢગલા, બંધ મકાનોની ગેલેરી અને ખુલ્લા પ્લોટમાં પડવાથી આગ ભભૂકી ઊઠી હતી. જોકે, મોટાભાગના કોલ નાના કે મધ્યમ પ્રકારના હોવાથી ફાયર ફાઈટરોએ થોડી જ મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે મોટું નુકસાન ટળી ગયું હતું.
ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મોટાભાગની આગ એવી જગ્યાએ લાગી હતી જ્યાં લોકોએ અગાશી કે બાલ્કનીમાં નકામો ભંગાર અથવા કાગળના પૂંઠા રાખ્યા હતા. આકાશમાં ઊંચે જઈને ફૂટતા રોકેટ અને હવાઈ ફટાકડા સીધા સૂકા કચરા કે કપડાં પર પડતાં આગ પકડી લેતી હતી. બંધ મકાનોની ગેલેરીમાં પડેલા ગાદલા-ગોદડાં પણ ઝડપથી આગની લપેટમાં આવી જતાં હતાં.
આગ લાગેલા વિસ્તારોમાં ઘોડાસર (નિગમ બસ સ્ટેન્ડ પાસે, નીલગીરી સોસાયટી) – ભંગારની દુકાનમાં, વાસણા (નારાયણ નગર, ચંદ્ર મૌલી હોલ પાસે), બોપલ-3, રાધેશ્યામ રો હાઉસ (મકાનમાં), નવરંગપુરા – લોયલા સ્કૂલના ગ્રાઉન્ડમાં (કચરામાં), અને નિકોલ (અમર જવાન સર્કલ પાસે) – ધ ગ્રાન્ડ સેરેનિટી (8મા અને 10મા માળે મકાનમાં)નો સમાવેશ થાય છે.