સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: 73 વર્ષીય નિવૃત્ત પ્રોફેસર સાથે ડિજિટલ અરેસ્ટ કૌભાંડ, 16.18 લાખની ઠગાઈ

અમદાવાદ: 73 વર્ષીય નિવૃત્ત પ્રોફેસર સાથે ડિજિટલ અરેસ્ટ કૌભાંડ, 16.18 લાખની ઠગાઈ

અમદાવાદના સિંગરવા વિસ્તારમાં રહેતા 73 વર્ષીય નિવૃત્ત પ્રોફેસર સાથે ડિજિટલ અરેસ્ટના નામે 16.18 લાખ રૂપિયાની ઠગાઈ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઠગોએ પોતાને બનારસ પોલીસ અને ATS અધિકારી તરીકે ઓળખ આપીને વૃદ્ધને ડરાવ્યા હતા.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 29 ઓગસ્ટે પ્રોફેસરને અજાણ્યા નંબર પરથી ચિરાગ રાવત નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે પોતાની ઓળખ બનારસ પોલીસ હેડ ઓફિસના અધિકારી તરીકે આપી હતી અને કહ્યું હતું કે પ્રોફેસરના આધારકાર્ડ સાથે જોડાયેલા મોબાઇલ નંબરથી બેંકમાં ખાતું ખોલાવીને કરોડો રૂપિયાના ગેરકાયદે ટ્રાન્ઝેક્શન થયા છે. આ ઉપરાંત તેમના નામે બાળકોના અશ્લીલ વીડિયો અને ગેરકાયદે ગેમ્બલિંગમાં સંડોવણી હોવાનું કહીને ગુનો નોંધાયો હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ વોટ્સએપ પર પ્રેમ ગૌતમ નામના વ્યક્તિનો વીડિયો કોલ આવ્યો હતો. પોલીસના યુનિફોર્મમાં તે વ્યક્તિએ પોતાની ઓળખ ATSના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આપી હતી અને કહ્યું હતું કે તેમની ધરપકડ થઈ શકે છે, પરંતુ ઉંમર વધારે હોવાથી વીડિયો કોલ દ્વારા ઘરે બેસીને તપાસ કરાવી શકાય છે. ઠગોએ પ્રોફેસરને આ અંગે કોઈને જાણ ન કરવા કહ્યું હતું અને સતત વોટ્સએપ કોલ તથા વીડિયો કોલ દ્વારા તેમના પર નજર રાખવાનું શરૂ કર્યું હતું.

31 ઓગસ્ટે ઠગોએ પ્રોફેસર પાસેથી તેમના અલગ-અલગ બેંક ખાતાની વિગતો અને બેંક સ્ટેટમેન્ટ મંગાવ્યા હતા, જે તેમણે વોટ્સએપ પર મોકલ્યા હતા. 1 સપ્ટેમ્બરે ઠગોએ તપાસના ભાગરૂપે બેંક ખાતામાં રહેલા રૂપિયાની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં તપાસ કરાવવાની હોવાનું કહીને રૂપિયા પાછા મળી જશે તેવી ખાતરી આપી હતી. ઠગે આપેલા મનીષ ટ્રેડર્સના ખાતામાં RTGS દ્વારા કુલ 11,03,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રકમમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી 5,00,000 રૂપિયા અને બેંક ઓફ બરોડાના ખાતામાંથી 6,03,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 2 સપ્ટેમ્બરે 5,15,300 રૂપિયા યસ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રીતે કુલ 16,18,300 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા બાદ ઠગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે બનાવટી રસીદ પણ વોટ્સએપ પર મોકલી હતી.

5 સપ્ટેમ્બરે અન્ય વોટ્સએપ નંબર પરથી પણ પ્રેમ ગૌતમ તરીકે ઓળખ આપીને પ્રોફેસરને કોલ કરવામાં આવ્યો હતો. અંતે 9 સપ્ટેમ્બરે તપાસ પૂરી થઈ ગયાનું કહીને તેમને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના નામે બનાવટી NOC મોકલવામાં આવી હતી. ત્યારબાદ ઠગના મોબાઇલ નંબરો પર સંપર્ક કરવા જતાં તે બંધ થઈ ગયા હતા. છેતરાયાની જાણ થતાં પ્રોફેસરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.