અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર પીપળી ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. અમદાવાદથી ભાવનગર જઈ રહેલી કારના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ, કારમાં સવાર તમામ મુસાફરો અમદાવાદના જમાલપુર વિસ્તારના રહેવાસી હતા અને તેઓ ભાવનગર જઈ રહ્યા હતા. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બીજા એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું અવસાન થયું હતું.
મૃતકોમાં જમાલપુરના નઝીર હુસૈન અબ્દુલકાદર મેમણ (ઉં. 32 વર્ષ) અને અન્ય એક વ્યક્તિનો સમાવેશ થાય છે, જેની ઓળખ હજુ કરવામાં આવી નથી. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઈમરજન્સી સેવાને જાણ કરી હતી. ઈજાગ્રસ્તોને પીપળી, ધોલેરા અને ધંધુકા એમ ત્રણ 108 એમ્બ્યુલન્સની મદદથી ભાવનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ધોલેરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માતના કારણો અંગે પોલીસ તપાસ કરી રહી છે.