અમદાવાદના ઢાલગરવાડ વિસ્તારમાં વાહન સાઇડમાં લેવાની નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ 5થી 7 શખ્સોના ટોળાએ દુકાનમાં ઘૂસીને 17 વર્ષીય સગીર અને તેના પરિવાર પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના પાનકોર નાકા નજીક બની હતી.
પોલીસ ફરિયાદ મુજબ, 17 વર્ષીય અમાન પાનકોર નાકા પાસેથી મોપેડ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રાફિકને કારણે અન્ય એક મોપેડચાલકે તેને વાહન સાઇડમાં લેવા કહ્યું હતું. જગ્યા ન હોવાનું કહેતાં જ સામેના શખ્સો ઉશ્કેરાઈ ગયા અને અમાન સાથે મારપીટ કરી. સ્થાનિક લોકો એકઠા થતાં હુમલાખોરો ભાગી ગયા હતા. અમાને ઘરે જઈને પરિવારને આ અંગે જાણ કરી.
આ બોલાચાલીની અદાવત રાખીને ગુરુવારે (24 સપ્ટેમ્બર) સાંજે ફરિયાદી મોહમંદ અમીન એહમદહુસૈનની ઢાલગરવાડ સ્થિત દુકાને અચાનક 5થી 7 શખ્સોનું ટોળું ઘસી આવ્યું હતું. આરોપીઓએ અમાન સાથે ઝઘડો કરી તેને માર મારવાનું શરૂ કર્યું. વચ્ચે પડેલા ફરિયાદી, તેમના પુત્ર આકીલ અને મિત્ર ઝહીર મન્સુરી પર પણ હુમલો કરવામાં આવ્યો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અને દુકાનમાં તોડફોડ મચાવી ઝહીરનો મોબાઈલ પણ તોડી નાખ્યો.
CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ટોળું દુકાનમાં ઘૂસી સગીરને ઢસડીને મારી રહ્યું છે, જ્યારે આસપાસના વેપારીઓ બચાવવા પડે છે છતાં ટોળું હુમલો ચાલુ રાખે છે. હુમલામાં માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં મોહમંદ અમીન અને અમાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ફરિયાદી મોહમંદ અમીનના જણાવ્યા અનુસાર, હુમલો કરનારા મુખ્ય પાંચ શખ્સોની ઓળખ ઇરફાન વલીભાઇ ઘાંચી, રીયાજ વારીશ નુર એહમદ શેખ, નુર મોહમદ અબ્દુલ રશીદ શેખ, ઇરફાન યાસીનભાઇ શેખ અને ઇકબાલ યાસીન શેખ તરીકે થઈ છે. કારંજ પોલીસે આ પાંચેય નામજોગ આરોપીઓ અને અન્ય 7 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી CCTVના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.