અમદાવાદમાં મુખ્યમંત્રીના હસ્તે રૂ. 584 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે વાડજ ફ્લાયઓવર અને વેજલપુર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું. ઉપરાંત થલતેજમાં 329 EWS આવાસના મકાનોનો ડ્રો યોજાયો અને ફાયરબ્રિગેડના કાફલામાં નવા વાહનો તથા બોટનો સમાવેશ કરવામાં આવ્યો.
મુખ્યમંત્રીએ રૂ. 127.92 કરોડના ખર્ચે તૈયાર થયેલા વાડજ ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું. આ ઉપરાંત રૂ. 98.60 કરોડના ખર્ચે તૈયાર થયેલા વેજલપુર રેલવે ઓવરબ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. થલતેજમાં 329 EWS આવાસના મકાનોનો ડ્રો યોજાયો. અમદાવાદ ફાયરબ્રિગેડના કાફલામાં 15 ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ અને 10 એન્જિનવાળી બોટ સોંપવામાં આવી. આ સાથે ટેમ્પલ સર્કિટ તેમજ નિકોલ-ત્રાગડમાં બે બસ ડેપોના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા.
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સૌને પોતાની મહેનતનું ફળ મળવું જોઈએ. તેમણે સરકાર દ્વારા પારદર્શક અને સારી સિસ્ટમ ઉભી કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો. ભરતી પ્રક્રિયામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પારદર્શક સિસ્ટમ ઉભી કરી હોવાનું તેમણે જણાવ્યું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રસેવા, જનસેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે દેશભરમાં સેવા સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનની રાજનીતિ વિકાસ કેન્દ્રિત રહી છે અને તેમના કામમાં હંમેશા જનસેવા કેન્દ્રમાં રહી છે. વિકાસના કાર્યોમાં સામાન્ય જનતાને કેન્દ્રમાં રાખવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું.
મુખ્યમંત્રીએ સાબરમતી રિવરફ્રન્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે સાબરમતી નદીનું ડેવલપમેન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું હતું. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ નરેન્દ્રભાઈના વિઝનનું પરિણામ હોવાનું તેમણે જણાવ્યું. સરકારની દરેક યોજનામાં સામાન્ય માણસને કેન્દ્રમાં રાખવામાં આવે છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સરકારી વિભાગોમાં કોઈ જગ્યા ખાલી ન રહે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મનપાના ઈતિહાસમાં આજે સૌથી વધુ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું. આજે 450થી વધુ લોકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા.
મુખ્યમંત્રીએ અધિકારીઓને ગુણવત્તાવાળું કામ કરવા માટે ટકોર કરી હતી. તેમણે નીતિ આયોગના સંદર્ભમાં ભારત ફાઇનાન્શિયલ આયોજનમાં ટોચ પર હોવાનું જણાવ્યું અને અધિકારીઓને હંમેશા પોઝિટિવ રહેવાની અપીલ કરી. પ્રેસ અને મીડિયામાં નેગેટિવ સમાચાર આવે તો પણ અધિકારીઓએ પોઝિટિવ અભિગમ રાખવો જોઈએ તેવી સલાહ તેમણે આપી હતી. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, જો અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રજાજનોનાં કામ કર્યા હશે તો શનિ-રવિની રજામાં બહાર જવાની જરૂર નહીં પડે. સાથે જ તેમણે ચેતવણી આપતા કહ્યું કે 'જો ખોટું કરશો તો ભોગવવું પડશે.'