અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલ માટે ડિસિલ્ટિંગ (ગટર-ચેમ્બરની સફાઈ) કામગીરી કરતા અંદાજે 3 હજાર મજૂરો ગુરુવારથી હડતાળ પર ઉતર્યા હતા. વેતન વધારો, આઠ કલાકની શિફ્ટ અને કામ પૂરું થયા પછી 15 દિવસમાં બિલની ચૂકવણી સહિત 12 માંગણીઓ લઈને તેમણે વિરોધ કર્યો હતો.
રવિવારે (13 સપ્ટેમ્બર) વરસાદ પડ્યો અને સોમવારે (14 સપ્ટેમ્બર) ભારે વરસાદની આગાહી થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું તંત્ર દોડતું થઈ ગયું. વરસાદી પાણીના નિકાલની કામગીરી અટકી ન પડે તે માટે મ્યુનિસિપલ કમિશનરે મજૂરોની તમામ 12 માંગણીઓ સ્વીકારી લીધી અને હડતાળ સમેટાઈ ગઈ.
અમદાવાદ શહેર વાલ્મિકી ડી. શિલ્પી એસોસિએશનના મહામંત્રી વસંત વાઘેલાએ જણાવ્યું કે મજૂરો છેલ્લા ઘણા સમયથી વેતન વધારો અને આઠ કલાકની શિફ્ટની માંગ કરી રહ્યા હતા, પણ સમયસર ઉકેલ ન આવતાં ગુરુવારથી લગભગ 3 હજાર ડિસિલ્ટિંગ મજૂરોએ હડતાળ શરૂ કરી હતી.
તેમણે વધુમાં કહ્યું કે કામ સોંપતી વખતે ઘણી વાર વર્ક ઓર્ડર આપવામાં આવતો નથી અને કામ પરથી હટાવવાની ધમકીઓ પણ આપવામાં આવે છે. આ મુદ્દે મજૂરોએ અલગ-અલગ AMC કચેરીઓમાં પ્રદર્શન કર્યું હતું.
હડતાળને કારણે ચોમાસા દરમિયાન કેચપીટ અને ડ્રેનેજની સફાઈ પર અસર થવાની સ્થિતિ ઊભી થઈ હતી. શહેરના અનેક વિસ્તારોમાં પહેલેથી જ પાણી ભરાવાની સમસ્યા હોય છે, તેથી ડિસિલ્ટિંગ કામગીરી બંધ રહેવી AMC માટે મોટો પડકાર બની શકે તેમ હતું.