સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં ડેન્ગ્યુ બેકાબૂ: 172 નવા કેસ, બાંધકામ સાઇટ સીલ અને હોસ્પિટલો સામે કાર્યવાહી

અમદાવાદમાં ડેન્ગ્યુ બેકાબૂ: 172 નવા કેસ, બાંધકામ સાઇટ સીલ અને હોસ્પિટલો સામે કાર્યવાહી

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વધતાં તંત્ર ચિંતિત બન્યું છે. નવા આંકડા મુજબ શહેરમાં એક જ અઠવાડિયામાં ડેન્ગ્યુના 172 નવા કેસ નોંધાયા છે. આ કેસ મોટાભાગે સોલા, ગોતા અને વસંતનગર ટાઉનશિપ વિસ્તારોમાં નોંધાયા છે.

પરિસ્થિતિની ગંભીરતા જોતાં મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં આરોગ્ય વિભાગને તાકીદના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે કડક રવૈયો અપનાવાયો છે. તપાસ દરમિયાન કોઈ પણ બાંધકામ સાઇટ પર મચ્છરનું બ્રીડિંગ મળી આવે તો તે સાઇટને તાત્કાલિક 7 દિવસ માટે સીલ કરવાનો આદેશ અપાયો છે. વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન પર બ્રીડિંગ મળવાના કિસ્સામાં સંબંધિત કર્મચારીને આખા પગારનો દંડ અને જવાબદાર એજન્સીને 10,000 રૂપિયાની પેનલ્ટી ફટકારવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

રોગચાળાના સાચા આંકડા ન આપતી ખાનગી હોસ્પિટલો સામે પણ કમિશનરે સખત વાંધો ઉઠાવ્યો છે. બેઠકમાં જાણવા મળ્યું કે ઘણી ખાનગી હોસ્પિટલો નિયમિતપણે રોગચાળાના આંકડાનો રિપોર્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનને મોકલતી નથી. હાલમાં માત્ર 155 હોસ્પિટલો જ રિપોર્ટ મોકલી રહી છે. સાચા આંકડાના અભાવે રોગચાળાનું સાચું ચિત્ર સામે આવતું નથી, જેથી રિપોર્ટ ન આપતી હોસ્પિટલો સામે નોટિસ ફટકારીને કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

શહેરમાં ચાલતા સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાયેલી સ્પર્ધામાં નારણપુરા વોર્ડને શહેરનો સૌથી સ્વચ્છ વોર્ડ જાહેર કરીને એવોર્ડ આપવામાં આવ્યો હોવાની વિગતો સમીક્ષા બેઠકમાં રજૂ થઈ હતી. આ અંગે કમિશનરે કટાક્ષ કરતાં કહ્યું હતું કે "જંગલ મેં મોર નાચા, કિસને દેખા!" તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છતાના માપદંડો શું હતા અને એવોર્ડ ક્યારે અપાયો તેની કોઈ સ્પષ્ટ વિગતો નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે માત્ર દેખાડા કે કાગળ પરના પુરસ્કારો મેળવવાને બદલે વાસ્તવિક જમીની સ્તરે સફાઈ કામગીરી કડકાઈથી કરાવવામાં આવે.