સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં ડેન્ગ્યૂના કેસ ઓગસ્ટથી બમણા: સપ્ટેમ્બરમાં 756 કેસ નોંધાયા

અમદાવાદમાં ડેન્ગ્યૂના કેસ ઓગસ્ટથી બમણા: સપ્ટેમ્બરમાં 756 કેસ નોંધાયા

અમદાવાદમાં ચોમાસું પૂરું થવાની સાથે મચ્છરજન્ય રોગો ફરી ઉપસ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યૂના 756 કેસ નોંધાયા છે, જ્યારે ઓગસ્ટમાં 361 કેસ હતા. એટલે એક જ મહિનામાં કેસ લગભગ બમણા થઈ ગયા છે. વર્ષના પ્રથમ નવ મહિનામાં શહેરમાં ડેન્ગ્યૂના કુલ 1,344 સત્તાવાર કેસ નોંધાયા છે.

ગત વર્ષ સાથે તુલના કરીએ તો પણ વધારો સ્પષ્ટ છે. સપ્ટેમ્બર 2025માં 448 કેસ નોંધાયા હતા, જે આ વર્ષે વધીને 756 થયા છે. આરોગ્ય વિભાગે સપ્ટેમ્બરમાં 16,290 સીરમ સેમ્પલ તપાસ્યા હતા. જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યૂ માટે કુલ 64,887 સેમ્પલ લેવાયા છે.

ડેન્ગ્યૂ ઉપરાંત અન્ય મચ્છરજન્ય રોગો પણ ચિંતા વધારી રહ્યા છે. સપ્ટેમ્બરમાં સાદા મેલેરિયાના 137, ઝેરી મેલેરિયાના 41 અને ચીકનગુનિયાના 10 કેસ નોંધાયા છે. વાયરલ તાવના દર્દીઓની સંખ્યા પણ વધી છે. સિવિલ હોસ્પિટલ ઉપરાંત એએમસીની વી.એસ., એલ.જી. અને શારદાબેન હોસ્પિટલની ઓપીડી, અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને ખાનગી દવાખાનાંમાં તાવની તકલીફ લઈને દર્દીઓ પહોંચી રહ્યા છે.

પાણીજન્ય રોગોએ પણ ચિંતા વધારી છે. સપ્ટેમ્બરમાં ઝાડા-ઉલટીના 208, કમળાના 79 અને ટાઈફોઈડના 266 કેસ નોંધાયા છે. કોલેરાનો એક પણ કેસ નોંધાયો નથી.

પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા માટે એએમસીએ સપ્ટેમ્બરમાં 7,596 સેમ્પલ લીધા હતા. તેમાંથી 21 સેમ્પલ અનફિટ મળ્યા બાદ સંબંધિત સ્થળોએ જરૂરી કાર્યવાહી કરાઈ છે. પાણીમાં ક્લોરિનનું પ્રમાણ તપાસવા 53,090 સ્થળે પરીક્ષણ થયું હતું.

વધતા કેસને ધ્યાનમાં રાખીને એએમસીનો આરોગ્ય વિભાગ મચ્છર નિયંત્રણની ઝુંબેશ ચલાવી રહ્યો છે. નાગરિકોને ઘરમાં કે આસપાસ પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવા, ટાંકા-કુંડા સાફ રાખવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવા અને તાવ, શરીર દુખાવો કે માથાનો દુખાવો જેવા લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વિના નજીકના સરકારી કે મ્યુનિસિપલ આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવા અપીલ કરવામાં આવી છે.