અમદાવાદમાં ઋતુ બદલાતાં મચ્છરજન્ય અને વાયરલ બીમારીઓ ફરી ઉપસી આવી છે. શહેરની બે મુખ્ય સરકારી હોસ્પિટલો—અસારવા સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ડેન્ગ્યુના કેસો છેલ્લા બે મહિનાથી સતત વધી રહ્યા છે, જેને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે.
અસારવા સિવિલ: સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના કેસો ત્રણ ગણા
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે માહિતી આપતાં જણાવ્યું કે, ઓગસ્ટ મહિનામાં સિવિલમાં ડેન્ગ્યુના 94 કેસ નોંધાયા હતા. ચાલુ સપ્ટેમ્બરમાં આ આંકડો 315 પર પહોંચી ગયો છે. 300થી વધુ દર્દીઓ અત્યાર સુધી ડેન્ગ્યુની સારવાર લઈ ચૂક્યા છે.
છેલ્લા એક સપ્તાહમાં જ સિવિલની OPDમાં 29,000થી વધુ લોકો સારવાર માટે આવ્યા છે, જ્યારે 2,400થી વધુ ગંભીર દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.
ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, અતિશય ઊંચો તાવ, શરીરમાં નબળાઈ અને દવા છતાં તાવ ન ઊતરવો—આ ડેન્ગ્યુનાં મુખ્ય લક્ષણો છે. આવાં લક્ષણો દેખાય તો જાતે દવા લેવાને બદલે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લઈને લેબોરેટરી ટેસ્ટ કરાવવા અપીલ કરવામાં આવી છે.
સોલા સિવિલ: એક સપ્તાહમાં 16 હજારની નજીક OPD
સોલા સિવિલ હોસ્પિટલના ARMOએ જણાવ્યું કે, બદલાતા હવામાનને પગલે માત્ર એક સપ્તાહમાં OPDમાં 15,986 દર્દીઓ નોંધાયા છે. સામાન્ય તાવ, શરદી અને ઉધરસના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
રોગચાળાના આંકડા પ્રમાણે, હોસ્પિટલમાં ડેન્ગ્યુના 169 કેસ અને મેલેરિયાના 13 કેસ નોંધાયા છે. ઉપરાંત ટાઈફોઈડના 4, સ્વાઈન ફ્લૂના 2 અને ચિકનગુનિયાનો 1 કેસ સામે આવ્યો છે.
ઋતુજન્ય બીમારીઓના કારણે પીડિયાટ્રિક વિભાગમાં પણ રોજ 100થી 150 જેટલાં બાળકો સારવાર માટે આવી રહ્યાં છે.
બંને હોસ્પિટલોના તબીબોએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે ઘરમાં કે આસપાસ પાણી ભરાઈ ન રહેવા દેવું, મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને લક્ષણો દેખાતાં તુરંત સરકારી કે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.