અમદાવાદમાં જૂના મકાનો તોડવા અને રિડેવલપમેન્ટ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 'અમદાવાદ સસ્ટેનેબલ ડિમોલિશન પોલિસી-2026' સૂચિત કરવામાં આવી છે. ટાઉન પ્લાનિંગ કમિટીએ બુધવારે (4 નવેમ્બર) આ પોલિસીને મંજૂરી આપી છે. હવે સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડની મંજૂરી બાદ આ પોલિસી અમલમાં આવશે.
નવી પોલિસીનો મુખ્ય ઉદ્દેશ કામદારોની સુરક્ષા, આસપાસની મિલકતોનું રક્ષણ અને પર્યાવરણને થતા નુકસાનને ઘટાડવાનો છે. શહેરમાં જૂના મકાનો તોડીને નવા બાંધકામ અને રિડેવલપમેન્ટની કામગીરી વધી રહી છે, જેમાં ઊડતી ધૂળ, હવા પ્રદૂષણ, કાટમાળના બેફામ નિકાલ અને કામદારોની સુરક્ષા જેવા મુદ્દા ધ્યાનમાં રાખીને આ નીતિ તૈયાર કરાઈ છે.
પોલિસી હેઠળ મકાન તોડવાની કામગીરી શરૂ કરતાં ઓછામાં ઓછા સાત દિવસ પહેલાં સંબંધિત ઝોનલ કચેરીના એસ્ટેટ અને નગર વિકાસ વિભાગને લેખિત જાણ કરવી પડશે. સાથે તોડવાના બાંધકામના ફોટોગ્રાફ્સ, ફ્લોર એરિયા, બાંધકામનો ઉપયોગ અને અન્ય વિગતો રજૂ કરવી પડશે. સાઇટની કેટેગરી પ્રમાણે સ્ટ્રક્ચરલ એસેસમેન્ટ રિપોર્ટ, કાટમાળ વ્યવસ્થાપન યોજના તથા પર્યાવરણ અને સલામતી વ્યવસ્થાપન યોજના પણ રજૂ કરવાની જોગવાઈ છે.
ડિમોલિશન સાઇટની આસપાસ બેરીકેડ, ગ્રીન નેટ અથવા વિન્ડશીલ્ડ લગાવવી ફરજિયાત રહેશે. બહુમાળી ઇમારતના ઉપરના માળ તોડતી વખતે સેફ્ટી નેટ લગાવવી પડશે. કામદારોને હેલ્મેટ, સેફ્ટી શૂઝ, હાથમોજાં સહિતના સુરક્ષા સાધનો આપવા ફરજિયાત રહેશે. આ ઉપરાંત પાણી, વીજળી અને ગેસ સહિતનાં સર્વિસ કનેક્શન અંગે ડિમોલિશન પહેલાં જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે.
કાટમાળ વ્યવસ્થાપન યોજનામાં કેટલો કચરો નીકળશે, તેનું વર્ગીકરણ, કામચલાઉ સંગ્રહ, પરિવહન, અધિકૃત પ્રોસેસિંગ અને પુનઃઉપયોગ કેવી રીતે થશે તેની વિગતો આપવી પડશે. આ નીતિ હેઠળ મિલકતના માલિકો, ડેવલપર્સ, અરજદારો, કોન્ટ્રાક્ટરો, ડિમોલિશન એજન્સીઓ, કોર્પોરેશનમાં નોંધાયેલા એન્જિનિયરો, સ્ટ્રક્ચરલ એન્જિનિયરો, ક્લાર્ક ઓફ વર્ક્સ, કાટમાળના પરિવહનકારો અને અધિકૃત પ્રોસેસિંગ સુવિધાઓની જવાબદારીઓ પણ નિર્ધારિત કરવામાં આવી છે.
ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે, જ્યાં રિડેવલપમેન્ટ થતું હોય ત્યાં લોકોને સમસ્યા થતી હોય છે, તેથી આ પોલિસી મંજૂર કરીને આગળ મોકલવામાં આવી છે. રિડેવલપમેન્ટમાં માલિક, કોન્ટ્રાક્ટર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરની જવાબદારી નક્કી કરવામાં આવી છે.
સાઇટના કદ અને ઊંચાઈ પ્રમાણે પાંચ કેટેગરી બનાવવામાં આવી છે. નાના મકાનોથી લઈને મોટા અને ઊંચા બાંધકામ સુધીની કામગીરીના પ્રમાણ અને જોખમને ધ્યાનમાં રાખીને દરેક કેટેગરી માટે દસ્તાવેજો, ટેકનિકલ દેખરેખ, સલામતી વ્યવસ્થા અને પર્યાવરણીય ઉપાયો નક્કી કરવામાં આવ્યા છે.