અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં સિકંદર માર્કેટ પાસે 6 ઓક્ટોબરે એક યુવક પર ચાર શખસોએ લાકડાના દંડાથી હુમલો કર્યો હતો. આ હુમલાનો CCTV ફૂટેજ સામે આવ્યો છે, જેમાં આરોપીઓએ અઢી મિનિટ સુધી યુવકને દોડાવી-દોડાવીને 22થી વધુ દંડા ફટકાર્યા હોવાનું દેખાય છે.
પોલીસના જણાવ્યા મુજબ, જમાલપુરના નવા ડુંગરપુર વિસ્તારમાં રહેતો 35 વર્ષીય યાસર મહંમદહનીફ લેલી કારખાનું ચલાવે છે. તેની તેના ઘરની સામે રહેતી એક મહિલા સાથે મિત્રતા હતી. આ મિત્રતાની જાણ પરિવારને થતાં 15 દિવસ પહેલા બન્ને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. સમાજના આગેવાનની સમજાવટથી તે સમયે સમાધાન થઈ ગયું હતું, પરંતુ અદાવત રાખીને મહિલાના પતિ અને તેના સાથીઓએ હુમલો કર્યો.
આરોપીઓએ કપડામાં ધોકા સંતાડીને યાસરના કારખાને પહોંચી, તેને બહાર ખેંચી લાવી અને ધોકાથી માર માર્યો. તે સમયે કારખાનામાં યાસર અને તેનો મિત્ર યાસીનભાઈ હાજર હતા. આરોપીઓએ યાસરને પગ, માથા અને શરીરના અન્ય ભાગો પર દંડા માર્યા. મોઈનભાઈએ માથાના ભાગે દંડાના ફટકા મારતાં યાસર લોહીલુહાણ હાલતમાં નીચે પછડાયો હતો. હુમલાખોરોએ “તને હજુ ઘરે આવીને મારીશું” તેવી ધમકી પણ આપી હતી.
બૂમાબૂમ થતાં આસપાસના લોકો ભેગા થયા, જેથી આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા. ઈજાગ્રસ્ત યાસરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
યાસરે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં મોઈન (મહિલાનો પતિ) અને ત્રણ અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવી હતી. દાણીલીમડા પીઆઈ સી.ટી. દેસાઈએ જણાવ્યું કે, આરોપીઓ જમાલપુરમાં રહે છે જ્યાં ફરિયાદી યાસરની સામે મોઈનની પત્ની પણ રહે છે. તેમની વચ્ચે મિત્રતા થઈ હતી, જેથી બંને પક્ષો વચ્ચે ઝઘડો ચાલતો હતો. અદાવત રાખીને મોઈને તેના મિત્ર જાબિર ઈલિયાસ ગાસલેટવાળા, એક સગીર અને એક અન્ય શખસ સાથે મળીને હુમલો કર્યો હતો.
પોલીસે મોઈન અને ઈલિયાસની ધરપકડ કરી છે. એક આરોપીને પગમાં વાગ્યું હોવાથી સારવાર હેઠળ છે, તેમજ સગીરની અટકાયત કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.