અમદાવાદમાં ટ્રાફિક ઈ-ચલણના નામે સાયબર ઠગાઈના બનાવો વધી રહ્યા છે. ઈસનપુર અને બહેરામપુરા વિસ્તારમાં બે વેપારીઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે, જેમાં તેમના બેંક ખાતામાંથી લાખો રૂપિયા કપાઈ ગયા છે.
ઈસનપુરમાં કુણાલ ઈન્ફોટેકના માલિક, 38 વર્ષીય કુણાલ પ્રજાપતિને તેમની ગાડી (GJ27AP6801) પર 1,000 રૂપિયાનો ટ્રાફિક મેમો બાકી હોવાનો મેસેજ આવ્યો. તેમણે સાચો વાહન નંબર જોઈને લિંક પર ક્લિક કર્યું અને બાદમાં તેમના ફોન પર અસંખ્ય OTP આવવા લાગ્યા. મોડી રાત્રે તેમના ખાતામાંથી 6 ટ્રાન્ઝેક્શન થઈને કુલ 4.58 લાખ રૂપિયા કપાઈ ગયા. તેમણે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરી ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
બહેરામપુરામાં રહેતા 48 વર્ષીય કલ્પેશ કાલેને પણ આવો જ મેસેજ મળ્યો. તેમણે લિંક ખોલતા જ મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ. બીજા દિવસે તેમના ખાતામાંથી પૈસા કપાયાનો મેસેજ આવ્યો. ઠગ ટોળકીએ મોબાઈલનો એક્સેસ મેળવીને અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરી કુલ 2.21 લાખ રૂપિયા ઉપાડી લીધા. આ મામલે પણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
સાયબર નિષ્ણાતો જણાવે છે કે ઠગો વાહનનો સાચો નંબર મેળવીને નકલી મેમો અને લિંક મોકલે છે. લિંક ખોલતા જ માલિશિયસ APK ફાઈલ ડાઉનલોડ થાય છે, જેનાથી હેકર્સ SMS અને સ્ક્રીનનો એક્સેસ મેળવી લે છે. તેઓ OTP જોઈને મિનિટોમાં ખાતું ખાલી કરી દે છે. તેથી કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરવા સલાહ આપવામાં આવે છે.