અમદાવાડના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા એક દંપતીને ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ્સ રોકડમાં બદલવાની લાલચ આપીને સાયબર ઠગોએ તેમના મોબાઈલ ફોન હેક કરી લીધા અને બે ક્રેડિટ કાર્ડમાંથી કુલ 1.89 લાખ રૂપિયા ઉપાડી લીધા. આ મામલે રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમરાઈવાડીના જયયોગેશ્વર રો-હાઉસમાં રહેતા અને ઘરકામ કરતા સરોજબેન પટેલ (ઉંમર 46)ના પતિ તુષારકુમાર પટેલ રખિયાલ ખાતેની એક ખાનગી પ્લાસ્ટિક કંપનીમાં નોકરી કરે છે. ગત 7 સપ્ટેમ્બરના રોજ સાંજે છ વાગ્યા આસપાસ તુષારભાઈ નોકરી પર હાજર હતા ત્યારે તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. ફોન કરનારે હિન્દીમાં વાત કરતાં પોતે એક્સિસ બેંકમાંથી કરણભાઈ બોલે છે તેવી ઓળખ આપી. તેણે તુષારભાઈને વિશ્વાસમાં લઈને કહ્યું કે, 'તમારો સિબિલ સ્કોર સારો છે અને ક્રેડિટ કાર્ડમાં 12,598 રિવોર્ડ પોઈન્ટ્સ જમા છે, જેના બદલામાં તમને રોકડા 9,500 રૂપિયા મળી શકે છે.'
આ રિવોર્ડ પોઈન્ટ્સ મેળવવા માટે ઠગે તુષારભાઈના વોટ્સએપ પર એક લિંક મોકલી અને એક્સિસ બેંકની એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહ્યું. તુષારભાઈએ વોટ્સએપ પર આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરીને ફોનમાં ઇન્સ્ટોલ કરતાં જ તેમનો વનપ્લસ કંપનીનો ફોન હેક થઈ ગયો. ત્યારબાદ તરત જ અન્ય અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો. વાતચીત ચાલુ હતી તે દરમિયાન જ તેમની પત્નીના એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી 80 હજાર અને 60 હજાર મળીને કુલ 1.40 લાખ રૂપિયા ડેબિટ થયાનો મેસેજ આવ્યો.
તુષારભાઈએ પૈસા કેમ કપાયા તે અંગે પૂછતાં સામેવાળાએ થોડીવારમાં પૈસા પાછા આવી જશે તેમ કહીને તેમને વાતોમાં પરોવી રાખ્યા. આ દરમિયાન તેમના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ક્રેડિટ કાર્ડમાંથી પણ 49,998 રૂપિયા ડેબિટ થઈ ગયા. તુષારભાઈએ પોલીસ ફરિયાદ કરવાની ચેતવણી આપતાં જ સાયબર ઠગે કોલ કટ કરી દીધો. આ સમગ્ર મામલે દંપતીએ સૌપ્રથમ સાયબર હેલ્પલાઈન 1930 પર અરજી કરી અને ત્યારબાદ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.