અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા એક દંપતીના યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી સાયબર ગઠિયાએ ઓનલાઇન ₹1 લાખ સેરવી લીધા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વસ્ત્રાલ ખાતે નિરાંત ચાર રસ્તા પાસે આવેલ રાજધાની ટેનામેન્ટમાં રહેતા 40 વર્ષીય હિનાબેન પટેલનું યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું છે. આ ખાતા સાથે તેમના પતિ ભાવેશભાઈનો મોબાઇલ નંબર લિંક છે અને તેઓ ફોન-પે એપ્લિકેશનનો ઉપયોગ કરે છે.
ગત 30 ઓગસ્ટ 2026ના રોજ હિનાબેન અને તેમના પતિ મેટ્રોમાં થલતેજ તરફ જઈ રહ્યા હતા ત્યારે ભાવેશભાઈનો મોબાઇલ અચાનક બંધ થઈ ગયો હતો અને આશરે અડધા કલાક બાદ આપોઆપ ચાલુ થઈ ગયો હતો.
બીજા દિવસે સવારે ભાવેશભાઈ પત્નીના મોબાઇલમાં ફોન-પે મારફતે રિચાર્જ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પેમેન્ટ થતું નહોતું. ત્યારબાદ તેઓ સીટીએમ ખાતે શકરીબેન એસ્ટેટમાં આવેલા પોતાના લેથ મશીનના કારખાને ગયા હતા. ત્યાં સહકર્મચારીએ ફોન-પે ચેક કરતાં જણાવ્યું હતું કે ખાતાની દૈનિક ₹1 લાખની લિમિટ પૂરી થઈ ગઈ છે. એપ્લિકેશનની હિસ્ટ્રી તપાસતાં ખાતામાંથી ₹1 લાખ કપાયા હોવાનું માલૂમ પડ્યું હતું.
દંપતીએ તાત્કાલિક યુનિયન બેંકની વસ્ત્રાલ શાખા ખાતે જઈ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તેમના ખાતામાંથી આ રકમ પંજાબ નેશનલ બેંકના એક ખાતામાં ટ્રાન્સફર થઈ છે. જેથી તેમણે તાત્કાલિક પોતાનું એકાઉન્ટ ડેબિટ ફ્રીઝ કરાવી સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. બાદમાં રામોલ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મુસાફરી દરમિયાન અચાનક અડધો કલાક ફોન બંધ થઈ જવો અને ત્યારબાદ સીધા બેંકમાંથી ₹1 લાખ ઉપડી જવા પાછળ કોઈ રિમોટ એક્સેસ ટૂલ (RAT), માલવેર અથવા સિમ ક્લોનિંગની ટેકનિક વપરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. કોઈ પણ ઓટીપી કે લિંક ક્લિક કર્યા વગર ટ્રાન્ઝેક્શન કેવી રીતે પાર પડ્યું તે દિશામાં સાયબર એક્સપર્ટ્સની મદદ લેવાઈ રહી છે.