સત્ય. સાહસ. સંકલ્પ.

ડિજિટલ કંકોતરી ખોલતાં જ ખાતામાંથી 1.51 લાખ ઉપડ્યા, APK ફાઇલથી ઠગાઈ

ડિજિટલ કંકોતરી ખોલતાં જ ખાતામાંથી 1.51 લાખ ઉપડ્યા, APK ફાઇલથી ઠગાઈ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સાયબર ઠગોએ બે અલગ-અલગ રીતે બે નાગરિકો પાસેથી કુલ 2.10 લાખ રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી કરી છે. એક કિસ્સામાં લગ્નની કંકોતરીના નામે APK ફાઇલ મોકલીને મોબાઇલ હેક કરાયો, જ્યારે બીજા કિસ્સામાં શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને નાણાં પડાવાયા. ગોમતીપુર અને ક્રિષ્નનગર પોલીસે અલગ-અલગ ગુના નોંધી તપાસ શરૂ કરી છે.

નિકોલ રોડ પર પાવરહાઉસ સામે શ્રીનાથ પાર્કમાં રહેતા અને ઈલેક્ટ્રિકનું છૂટક કામ કરતા 44 વર્ષીય નિલેષ ભુવાના મોબાઇલ પર 2 સપ્ટેમ્બરે તેમના મિત્ર જયસુખના વોટ્સએપ નંબર પરથી એક આમંત્રણ પત્રિકા આવી હતી. તે પીડીએફ કે ઇમેજ નહીં, પણ APK ફાઇલ હતી. નિલેષને આની જાણ ન હોવાથી તેમણે ફાઇલ ખોલી હતી.

બીજા દિવસે બપોરે તેમના મોબાઇલ પર બૅન્ક ઑફ ઇન્ડિયાના ખાતામાંથી નાણાં ડેબિટ થવાના મેસેજ આવવા લાગ્યા. તેઓ તાત્કાલિક બૅન્ક પહોંચ્યા અને ખાતું ફ્રીઝ કરાવ્યું, ત્યાં સુધીમાં 45 હજાર, 16 હજાર, 84 હજાર અને 6 હજાર રૂપિયા મળીને કુલ 1.51 લાખ રૂપિયા ઉપડી ચૂક્યા હતા. બૅન્ક તપાસમાં બહાર આવ્યું કે APK ફાઇલથી ફોન હેક થઈ ગયો હતો અને બધા એકાઉન્ટ ક્રિડેન્શિયલ ચોરી થઈ ગયા હતા. ક્રિષ્નનગર પોલીસે અજાણ્યા શખ્સ સામે છેતરપિંડી અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

બીજા કિસ્સામાં, ગોમતીપુરની રાજપુર પોસ્ટ ઑફિસ પાસે અબુકસાઇની ધાબા ચાલીમાં રહેતા અને પાલડીની ખાનગી પેઢીમાં એકાઉન્ટ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા 24 વર્ષીય સાહિલ કમલેશ રાણાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાહિલના જણાવ્યા મુજબ, 12 સપ્ટેમ્બરે તેઓ ટેલિગ્રામ પર એક ગ્રૂપ જોઈ રહ્યા હતા, જેમાં રોકાણ સામે નફાના સ્ક્રીનશોટ્સ મૂકેલા હતા. તેમણે એડમિન ‘જીઘા ભાઈ’નો સંપર્ક કર્યો.

સામેવાળાએ 10 હજાર રૂપિયાના રોકાણ સામે 45 હજાર રૂપિયા નફો મળવાની વાત કરી. 15 સપ્ટેમ્બરે સાહિલે 5 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા. થોડા સમય બાદ ઠગે સાહિલના નામે નકલી ઇન્વોઇસ મોકલી તેમાં 53 હજાર રૂપિયા નફો અને 14 હજાર રૂપિયા કમિશન દર્શાવ્યું. આ નફો મેળવવા માટે ઠગે કમિશન, વિથડ્રોઅલ ચાર્જ, સેન્ડિંગ ચાર્જ, પ્રોસેસિંગ ચાર્જ અને એક્સ્ટ્રા ચાર્જના નામે અલગ-અલગ યુપીઆઈ આઈડી આપી કુલ 59,936 રૂપિયા પડાવી લીધા. બીજા દિવસે નાણાં પરત ન આવતાં સાહિલે મેસેજ કર્યો, તો આરોપીએ તેમને બ્લોક કરી દીધા. ગોમતીપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાયબર નિષ્ણાતોના મતે, અજાણ્યા નંબર પરથી આવતી APK ફાઇલ ક્યારેય ખોલવી નહીં. બેંક કે સરકારી એજન્સીના નામે આવતી લિંક કે ફાઇલ પર શંકા હોય તો તરત જ ચકાસવી. શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપતા ટેલિગ્રામ ગ્રૂપથી પણ દૂર રહેવું. કોઈ પણ ઓનલાઇન છેતરપિંડી થાય તો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવવી.