સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં સાયબર ઠગાઈ: ઓનલાઇન ઓર્ડર, APK ફાઇલ અને KYCના બહાને ₹31.77 લાખની લૂંટ

અમદાવાદમાં સાયબર ઠગાઈ: ઓનલાઇન ઓર્ડર, APK ફાઇલ અને KYCના બહાને ₹31.77 લાખની લૂંટ

અમદાવાદમાં સાયબર ઠગોએ ત્રણ અલગ-અલગ બનાવોમાં કુલ ₹31.77 લાખની છેતરપિંડી કરી છે. નારોલના તેલ વેપારી, પાલડીના ઇન્ટિરિયર ડિઝાઇનર અને કર્ણાવતીનગરના નિવૃત્ત બેંક કર્મચારીને ઠગોએ ઓનલાઇન ઓર્ડર, APK ફાઇલ અને KYC અપડેટના બહાને છેતર્યા છે. આ બનાવો અંગે સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાતા અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સાયબર સેલે તપાસ શરૂ કરી છે.

નારોલના વેપારી સાથે ₹20 લાખની ઠગાઈ: ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અને નારોલ ખાતે 'શ્રીજી પેટ્રોકેમ કંપની' ધરાવતા ધર્મિક સુરેશભાઈ પટેલને 28 મેના રોજ એક ગ્રાહક તરફથી ડિસ્ટિલેટ ઓઇલનો ઓર્ડર મળ્યો હતો. સપ્લાયરની શોધમાં તેમણે ઓનલાઇન બિઝનેસ પોર્ટલ પર 'આરા ફ્યુઅલ્સ' (AARA FUELS) નામની કંપની શોધી. કંપનીના પ્રતિનિધિ તરીકે રજૂ થયેલા શ્રીનિવાસે નામના શખસે 30,230 લિટર ડિસ્ટિલેટ ઓઇલ ₹33.25 લાખમાં આપવાનું કહી ₹10 લાખ એડવાન્સ માંગ્યા. વેપારીએ RTGS દ્વારા બે ટ્રાન્ઝેક્શનમાં ₹20 લાખ ચૂકવ્યા. જો કે, GST નંબર અને ઈ-વે બિલ સહિતના દસ્તાવેજ શંકાસ્પદ લાગતાં છેતરપિંડીનો ભય થયો. પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે આંધ્રપ્રદેશ સ્થિત ફ્યુઅલ કંપનીના નામે ખોટી ઓળખ આપીને ઠગાઈ કરવામાં આવી.

અદાણી ગેસ બિલ અપડેટના નામે ₹7.74 લાખ: પાલડીમાં રહેતા 58 વર્ષીય ઇન્ટિરિયર ડિઝાઇનર રિકિનભાઈ મહેતાને વોટ્સએપ પર અદાણી ગેસના લોગો સાથે સંદેશ મળ્યો. ઠગોએ ધમકી આપી કે બિલ અપડેટ નહીં કરો તો રાત્રે ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે. બિલ અપડેટના બહાને તેમને 'Adani Gas Bill Update.apk' નામની એપ ડાઉનલોડ કરાવી. આ APK ફાઇલ દ્વારા ઠગોએ તેમના મોબાઇલનો એક્સેસ મેળવી બેંક એકાઉન્ટ, ડેબિટ કાર્ડ અને CVVની માહિતી મેળવી લીધી અને ચાર ટ્રાન્ઝેક્શનમાં ₹7.73 લાખથી વધુ ઉપાડી લીધા. પીડિતે હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી છે.

KYC વેરિફિકેશનના બહાને ₹4 લાખ: કર્ણાવતીનગરમાં રહેતા 60 વર્ષીય નિવૃત્ત બેંક કર્મચારી જગાભાઈ મકવાણાને બેંક ઑફ ઇન્ડિયાની હેડ ઑફિસમાંથી બોલતા હોવાનો દાવો કરીને ફોન આવ્યો. ઠગે ખાતામાં શંકાસ્પદ પ્રવૃત્તિ હોવાનું કહી KYC વેરિફિકેશન માટે વોટ્સએપ પર એક ફાઇલ મોકલી અને ઇન્સ્ટોલ કરવા કહ્યું. ફાઇલ ખોલતાં જ મકવાણા અને તેમની પત્નીના ખાતામાંથી ₹4.03 લાખ ઉપડી ગયા. તેમણે તરત જ બેંક ખાતું બ્લોક કરાવ્યું અને 1930 પર સંપર્ક કરી આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

સાયબર સેલે ત્રણેય કેસમાં અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ અજાણ્યો વ્યક્તિ APK ફાઇલ મોકલે તો તેને ડાઉનલોડ ન કરો અને બેંકની માહિતી કે OTP કોઈ સાથે શેર ન કરો. શંકાસ્પદ ફોન કે લિંક આવે તો તરત જ 1930 પર ફરિયાદ કરો.