અમદાવાદ શહેરમાં સાયબર ઠગોએ અલગ-અલગ વિસ્તારોમાં રહેતા પાંચ નાગરિકોને શિકાર બનાવીને કુલ 30 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. ઠગોએ ટ્રાફિક મેમો, શેરબજારમાં ઊંચા વળતર અને સિમકાર્ડ બંધ કરવાના બહાના હેઠળ નકલી એપ અને લિંક મોકલીને નેટબેંકિંગ અને ક્રેડિટ કાર્ડ મારફતે રકમ ઉપાડી લીધી છે. સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદોના આધારે અલગ-અલગ ગુના નોંધીને મોબાઈલ નંબર, બેંક ખાતા અને ડિજિટલ ટ્રેલના આધારે તપાસ શરૂ કરી છે.
ઓઢવમાં રહેતા 48 વર્ષીય વેપારી હર્ષદકુમાર અંબાલાલ પારેખે ફેસબુક પર 'શેર માર્કેટમાં રોકાણ કરો અને 100% વળતર મેળવો' તેવી જાહેરાત જોઈ હતી. તેના પર ક્લિક કરતાં તેઓ 'SAMCO Investor Education Community' નામના વોટ્સએપ ગ્રૂપમાં જોડાયા હતા. આ ગ્રૂપમાં સાનવી વધવા અને અનન્યા નામની વ્યક્તિઓએ પોતાને સેબી રજિસ્ટર્ડ કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખાવીને વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં એક નકલી લિંક મોકલીને વેપારીનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. એપમાં 200% થી 300% નો વર્ચ્યુઅલ નફો બતાવીને અલગ-અલગ યુપીઆઈ આઈડી અને બેંક ખાતામાં કુલ 7.67 લાખ રૂપિયા જમા કરાવી લીધા હતા. રકમ પરત મેળવવા જતાં ઠગોએ 20% કમિશન અને પેનલ્ટી ચાર્જ પેટે વધુ રકમની માગણી કરીને નાણાં અટકાવી લીધાં હતાં.
વાસણા ભાઠાગામ ચાર રસ્તા પાસે રહેતા અને વાસણા બસ સ્ટેન્ડ નજીક ફૂલોની દુકાન ધરાવતા 45 વર્ષીય સમીર રતિલાલ રામીના મોબાઈલ પર એક વર્ચ્યુઅલ નંબર પરથી મેસેજ આવ્યો હતો. તેમાં તેમના વાહન નંબર GJ01KX1420 પર ટ્રાફિક નિયમ ભંગનો 1,000 રૂપિયાનો દંડ બાકી હોવાનું જણાવીને 'NextGen mParivahan1.0(2).apk' નામની ફાઈલ ડાઉનલોડ કરવા કહેવાયું હતું. ફાઈલ ડાઉનલોડ કરતાં જ તેમના મોબાઈલનું એક્સેસ ઠગો પાસે ગયું અને અજાણ્યા નંબર પર કોલ ફોરવર્ડિંગ ચાલુ થઈ ગયું હતું. બાદમાં ઠગોએ ફરિયાદીની જાણ બહાર તેમના આરબીએલ બેંક ક્રેડિટ કાર્ડમાંથી ફ્લિપકાર્ટ સહિતની ઓનલાઇન પ્લેટફોર્મ પર કુલ 5 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરી લીધા હતા.
ઘીકાંટા મેટ્રો સ્ટેશન સામે ગેલાભાઈની વાડીમાં રહેતા અને કાપડનો વેપાર કરતા 49 વર્ષીય જગદિશ શંકરલાલ પરમારના મોબાઈલ નંબરની ઇનકમિંગ અને આઉટગોઇંગ સેવાઓ અચાનક બંધ થઈ ગઈ હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે અજાણ્યા શખ્સોએ 'MyJio' એપમાં અનધિકૃત લોગઇન કરીને ઓલ્ટરનેટ મોબાઈલ નંબર બદલી નાખ્યો હતો અને સિમ બંધ કરવાની વિનંતી મોકલી હતી. સિમકાર્ડ બંધ હોવાથી ટ્રાન્ઝેક્શનના ઓટીપી ફરિયાદી સુધી પહોંચ્યા નહોતા. ઠગોએ ફરિયાદીના આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેંક ખાતાનું નેટબેંકિંગ એક્સેસ મેળવીને એફડી તોડાવી અને કલ્યાણ જ્વેલર્સના યુપીઆઈ આઈડી પર કુલ 6.97 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.
મોટેરા ખાતે મૈત્રી એવન્યુ બંગલોમાં રહેતા 73 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ શ્યામલ બાનિકંઠ ભટ્ટાચાર્યના મોબાઈલ પર વાહન નંબર GJ01RN7298 પર કોર્ટ કેસની ધમકી આપતો ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો. મેસેજમાં આપેલી 'mparivahan' વાળી શંકાસ્પદ લિંક પર ક્લિક કરતાં જ તેમનો ફોન હેક થઈ ગયો હતો અને એકાઉન્ટમાંથી 6.66 લાખ રૂપિયા ઉપાડી લેવાયા હતા.
સાયબર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ પ્રકારના કિસ્સામાં ઠગ લોકોને ડરાવીને અથવા લાલચ આપીને નકલી એપ ડાઉનલોડ કરાવે છે અથવા અંગત માહિતી મેળવે છે. નાગરિકોએ અજાણ્યા નંબર પરથી આવતી લિંક પર ક્લિક ન કરવું, કોઈપણ એપ ડાઉનલોડ કરતા પહેલા તેની સત્તાવારતા ચકાસવી અને બેંકની માહિતી કે ઓટીપી કોઈ સાથે શેર ન કરવી જોઈએ. કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરવી જોઈએ.