નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર 'ગરબા પાર્ટનર ભાડે મેળવો' અથવા 'રેન્ટ અ ગરબા પાર્ટનર' જેવી પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ કેટેગરીના પેકેજનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં ૧,૦૦૦થી ૪,૦૦૦ રૂપિયા સુધીના આકર્ષક પેકેજની જાહેરાત થઈ રહી છે.
આ પ્રકારની પોસ્ટ પર અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ વાયરલ કન્ટેન્ટ ફોલોઅર્સ વધારવા માટેનો કિમીયો હોઈ શકે છે. સાયબર ક્રાઈમે કેટલીક પોસ્ટ સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ દ્વારા હટાવી પણ દીધી છે.
સાયબર ક્રાઈમની ટીમે લોકોને અપીલ કરી છે કે નવરાત્રીમાં અજાણી વ્યક્તિ સાથે પાર્ટનર ન બનવું. પાર્ટનર બનવાના નામે કોઈને ટિકિટ, ફૂડ, હોટલ, બુકિંગ, ટ્રાવેલર સહિતના નામે નાણાકીય વ્યવહાર ન કરવો. આવા કિસ્સામાં છેતરપિંડીની શક્યતા રહે છે.