અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી સોનાની દાણચોરીમાં મદદ કરવાના આરોપમાં કરવામાં આવી છે. એક સાથે ચાર અધિકારીઓ સામે કાર્યવાહી થવાની આ પ્રથમ ઘટના છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં બે સુપ્રિન્ટેન્ડેન્ટ અને બે ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. આ અધિકારીઓ પર વિદેશી નાગરિકો દ્વારા કરવામાં આવતી સોનાની દાણચોરીમાં સંડોવણી અને તેમને મદદ કરવાનો આરોપ છે.
કસ્ટમ વિભાગ દ્વારા આ કાર્યવાહી બાદ અન્ય અધિકારીઓ માટે ચેતવણીરૂપ સંદેશો આપવામાં આવ્યો છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવું મોંઘું પડી શકે છે. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે અને વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.