સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ-સુરત ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહી: CTM ટોલનાકે ચોકલેટમાં છુપાવેલું 25 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ત્રણ ઝડપાયા

અમદાવાદ-સુરત ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહી: CTM ટોલનાકે ચોકલેટમાં છુપાવેલું 25 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ત્રણ ઝડપાયા

અમદાવાદના CTM એક્સપ્રેસ-વે ટોલનાકા પાસે 20 ઓક્ટોબરની રાત્રે અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે એક XUV કાર ઝડપી લીધી હતી. કારમાંથી 25 કરોડ રૂપિયાથી વધુ કિંમતનું MD ડ્રગ્સ અને અફઘાની હેરોઈન મળી આવ્યું છે. ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ દિલ્હીથી ડ્રગ્સ લઈને અમદાવાદ આવ્યા હતા અને ત્યાંથી રાજકોટ લઈ જવાના હતા. કારમાં ડ્રગ્સ ચોકલેટના પેકેટ અને એનર્જી ડ્રિંકની બોટલોમાં છુપાવવામાં આવ્યું હતું.

સુરત ક્રાઇમ બ્રાન્ચના DCP ભાવેશ રોજીયાને બાતમી મળી હતી કે ડ્રગ્સ કેસમાં જેલમાં કેદ રહી ચૂકેલો અને પેરોલ પર છૂટેલો કફીલ અહેમદ અંસારી શંકાસ્પદ ગતિવિધિ કરી રહ્યો છે. પોલીસે તેના પર નજર રાખવાનું શરૂ કર્યું હતું.

બાતમી મળતાં જ અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ક્રાઇમ JCP શરદ સિંઘલ અને DCP અજીત રાજીયન સાથે બેઠક કરી હતી. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચના PI પી.એમ. ધાકડા અને વી.બી. આલની બે ટીમ તૈયાર કરાઈ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચના PI એસ.એન. પરમાર પણ પોતાની ટીમ સાથે અમદાવાદ પહોંચ્યા હતા.

સાંજે 7 વાગ્યે કુલ છ ગાડીઓમાં ત્રણ ટીમ CTM ટોલનાકા પાસે પહોંચી હતી. દરેક ટીમ 200-200 ફૂટના અંતરે ગોઠવાઈ ગઈ હતી. આ દરમિયાન રસ્તામાં આવતી શંકાસ્પદ ગાડીઓ પણ અટકાવીને તપાસવામાં આવી રહી હતી. આશરે 8:45 વાગ્યે દિલ્હી પાસિંગની કાળી XUV કાર આવતાં ત્રણેય PIએ એકબીજાને ઈશારો કર્યો હતો. પોલીસની ગાડી આગળ ઊભી રાખીને કાર રોકવામાં આવી હતી.

કારને ચારે તરફથી ઘેરી લેવામાં આવી હતી. પોલીસે ઓળખ આપીને ડ્રાઈવર અને અન્ય બે શખ્સોને નીચે ઉતાર્યા હતા. ત્રણેયના નામ પૂછીને તેમના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે કફીલ અહેમદ ઉર્ફે જાવેદ અંસારી, તિફેલ નોખેજ અને મોહમ્મદ ઈમરાન ઉર્ફે રાજા અલવીની ધરપકડ કરી હતી.

કારની તલાશીમાં પહેલી નજરે માત્ર મુસાફરીનો સામાન દેખાતો હતો. પરંતુ સીટની નીચે તપાસ કરતાં બ્રાન્ડેડ ચોકલેટના પેકેટ અને પાછળની સીટમાંથી એનર્જી ડ્રિંકની બોટલોથી ભરેલો થેલો મળી આવ્યો હતો. શંકાના આધારે પેકેટ તોડીને જોતાં અંદરથી હેરોઈન અને ડ્રગ્સ મળી આવ્યું હતું. એનર્જી ડ્રિંકની બોટલોમાં પણ ડ્રગ્સ મળ્યું હતું. પોલીસે ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળે બોલાવીને તપાસ હાથ ધરી હતી.