સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં સાયબર ઠગાઈ: ફેસબુક મિત્રતા અને ક્રિપ્ટો નફાના બહાને 90 લાખની ઠગાઈ

અમદાવાદમાં સાયબર ઠગાઈ: ફેસબુક મિત્રતા અને ક્રિપ્ટો નફાના બહાને 90 લાખની ઠગાઈ

અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં રહેતા 45 વર્ષીય જમીન દલાલ ફેસબુક પર યુવતી સાથે મિત્રતાના જાળમાં ફસાઈ ગયા અને સાયબર ગેંગે તેમની પાસેથી 90 લાખ રૂપિયા પડાવી લીધા. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર નફાની લાલચ આપીને આ ઠગાઈ કરવામાં આવી હતી. આ ઘટના સાયબર ફ્રોડના વધતા જતા કિસ્સાઓ તરફ ધ્યાન દોરે છે.

શહેરના ત્રાગડ વિસ્તારમાં રહેતા હરેશભાઈ (નામ બદલેલું) જમીન દલાલીનું કામ કરે છે. થોડા મહિના પહેલા તેમની ફેસબુક પર માધુરી મહેતા નામની યુવતી સાથે ઓળખાણ થઈ હતી. તેણે મિત્રતા કેળવીને સામાન્ય વાતચીત કરી અને વોટ્સએપ નંબરની આપ-લે કરી હતી. માધુરીએ જણાવ્યું કે તે એક કંપનીમાં ક્રિપ્ટો ટ્રેડિંગ કરે છે અને સારો નફો કમાય છે. બાદમાં તેણે ચાર્લી નામના વ્યક્તિનો મોબાઈલ નંબર આપ્યો હતો. ચાર્લીએ કંપનીની વેબસાઇટની લિંક મોકલીને શરૂઆતના રોકાણ પર એક કરોડનો નફો દેખાડ્યો હતો, જે એકાઉન્ટમાં દેખાતો હતો.

આ નફો મેળવવા માટે ઇન્કમ ટેક્સ અને વોલેટ એક્સચેન્જના નામે કુલ 70 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા અને નફા સાથે પરત મળશે તેવી ખાતરી આપવામાં આવી હતી. પાછળથી જણાવવામાં આવ્યું કે તેમનું વોલેટ મની લોન્ડરિંગ અને ગેરકાયદે નાણાકીય વ્યવહારના અનુસંધાનમાં સસ્પેન્ડ થઈ ગયું છે, જેથી તેને રિકવર કરવા માટે બીજા 20 લાખ રૂપિયા જમા કરાવવા પડશે. આ સમયે માધુરીએ ફરીથી વિશ્વાસ અપાવ્યો અને હરેશભાઈએ 20 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. તેમ છતાં એકાઉન્ટ એક્ટિવ થયું નહીં. માધુરીએ જણાવ્યું કે ચાર્લીએ નોકરી છોડી દીધી છે. છેવટે શંકા જતાં હરેશભાઈએ સેબીની ઓફિસમાં જઈને ક્રિપ્ટો કંપની અંગે તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે ફેસબુક દ્વારા મિત્રતા કેળવીને તેમની સાથે સાયબર ફ્રોડ કરવામાં આવ્યો છે. આ અંગે સાયબર ક્રાઈમ સેલે ટેક્નિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ કરી છે.