દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરની સુરક્ષા વધુ મજબૂત કરવાના ભાગરૂપે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં ગેરકાયદે રીતે વસવાટ કરતા કુલ 61 વિદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે બાંગ્લાદેશના વતનીઓનો સમાવેશ થાય છે.
અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાં સઘન બાતમી અને ગુપ્ત માહિતી એકત્રિત કરીને પોલીસે દરોડા પાડ્યા હતા અને આ વિશેષ ઓપરેશન પાર પાડ્યું હતું. શહેરમાં ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકોની ઓળખ માટે ચેકિંગ અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી આગામી દિવસોમાં પણ અવિરત ચાલુ રહેશે, એમ પોલીસે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, તહેવારો દરમિયાન શહેરમાં ભીડ વધતી હોય છે, ત્યારે સુરક્ષા તંત્ર સતર્ક રહે છે. પોલીસની આ કાર્યવાહી કાયદેસર પ્રક્રિયાનો ભાગ છે અને તેનો હેતુ શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવાનો છે.