સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: 6 સભ્યોની હત્યાનો ફરાર આરોપી ઝડપાયો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: 6 સભ્યોની હત્યાનો ફરાર આરોપી ઝડપાયો

અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હરિયાણાથી 30 હજાર રૂપિયાના ઇનામી આરોપીને ઝડપી લીધો છે. આરોપીનું નામ રામુસિંહ ધીરાસિંહ તોમર (37) છે. મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના લેપા ગામમાં એક જ પરિવારના 6 સભ્યોની હત્યાના કેસમાં તે ફરાર હતો.

મે 2023માં જમીન વિવાદની અદાવતમાં સામસામેના જૂથો વચ્ચે હિંસક ઘટના બની હતી. આ ઘટનામાં એક પરિવારના 3 મહિલા અને 3 પુરુષ સહિત કુલ 6 સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક પરિવારના સભ્યો લગ્ન પ્રસંગે લેપા ગામે આવ્યા હતા, ત્યારે તેમના પર અંધાધૂંધ ફાયરિંગ થયું હતું. આ કેસમાં સિહોનિયા પોલીસ સ્ટેશનમાં કુલ 9 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. તે સમયે સોશિયલ મીડિયામાં આ ગોળીબારનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. આ હિંસક ઘટનાએ મધ્યપ્રદેશ સહિત સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી હતી.

અગાઉ વર્ષ 2013માં થયેલી હત્યાઓનો બદલો લેવા માટે આ હત્યાકાંડ આચરાયો હોવાની વિગતો સામે આવી હતી. ફરાર આરોપીઓને ઝડપી પાડવા મધ્યપ્રદેશ પોલીસે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી હતી. ચંબલ ઝોનના પોલીસ મહાનિરીક્ષકે આરોપીની ધરપકડ માટે 30 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી ગુરુગ્રામના ગોપાલપુર GIDC વિસ્તારમાં આવેલી વેરહાઉસમાં કામ કરે છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગઢી-હરસરુ રોડ પર વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો.

હત્યાકાંડ બાદ આરોપી મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં ઓળખ છુપાવીને રહેતો હતો. આ દરમિયાન તે સિક્યોરિટી ગાર્ડ તરીકે અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. આરોપીની ઓળખ અને ગુનામાં સંડોવણીની ખરાઈ બાદ તેને મધ્યપ્રદેશની સિહોનિયા પોલીસને સોંપવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.