અમદાવાદની ભદ્ર સિટી સિવિલ કોર્ટે કૌટુંબિક મિલકત વિવાદના એક કેસમાં સિનિયર સિટીઝન પિતાની તરફેણમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ઠરાવ્યું છે કે પિતાએ પોતાની કમાણીથી ખરીદેલી મિલકત પર પુત્ર કે પુત્રવધૂનો કોઈ કાનૂની અધિકાર નથી.
સિવિલ જજ વી.એ. ધાંધલે પોતાના ચુકાદામાં જણાવ્યું કે પિતાને તેમની સ્વ-ઉપાર્જિત મિલકતમાંથી પુત્ર અને પુત્રવધૂને બહાર કરવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર છે. માત્ર મકાન વૈવાહિક ઘર (મેટ્રિમોનિયલ હોમ) હોવાના આધારે પુત્રવધૂને તેમાં રહેવાનો કાયદેસર અધિકાર મળી જતો નથી.
કોર્ટે પુત્ર અને પુત્રવધૂને 90 દિવસમાં મકાનના પહેલા માળે આવેલા તેમના કબજાના રૂમો ખાલી કરીને પિતાને સોંપી દેવાનો આદેશ કર્યો છે. સાથે જ પિતાના મકાનના ઉપયોગ અને ભોગવટામાં કોઈપણ પ્રકારનો અવરોધ કે દખલ કરવા સામે કાયમી મનાઈ ફરમાવી છે. જો કે, પુત્રવધૂ સાથે રહેતી પુત્રવયની પૌત્રીને પક્ષકાર બનાવાઈ ન હોવાથી તેની વિરુદ્ધ કોઈ આદેશ કરવામાં આવ્યો નથી.
સુનાવણી દરમિયાન પુત્રવધૂએ દલીલ કરી હતી કે આ મકાન તેનું વૈવાહિક ઘર છે અને ઘરેલું હિંસા કાયદા હેઠળ તેને ત્યાં રહેવાનો અધિકાર છે. તેણે પતિ અને સસરા પર મિલીભગતનો આરોપ પણ લગાવ્યો હતો. જોકે, કોર્ટે આ દલીલો ફગાવી દીધી હતી. દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી બાદ કોર્ટે સ્પષ્ટ કર્યું કે મિલકત ખરીદવામાં કે તેના નિર્માણમાં પુત્ર કે પુત્રવધૂનું કોઈ આર્થિક યોગદાન નહોતું. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓનો સંદર્ભ આપીને કોર્ટે ઠરાવ્યું કે સાસુ-સસરાની સ્વ-ઉપાર્જિત મિલકતને પુત્રવધૂનું શેરહાઉસહોલ્ડ ગણી શકાય નહીં.
કેસની વિગતો અનુસાર, વાસણા વિસ્તારમાં રહેતા મનુભાઈ દલસુખભાઈ શાહે 1980ના દાયકામાં પોતાની કમાણીથી આ મકાન ખરીદ્યું હતું. વર્ષ 2002માં પુત્રના લગ્ન થયા બાદ દંપતી પહેલા માળના રૂમોમાં રહેતું હતું. પરંતુ દંપતી વચ્ચેના મતભેદો અને કૌટુંબિક તકરારના કારણે મામલો વણસ્યો હતો. વારંવારની વિનંતી છતાં પુત્ર અને પુત્રવધૂએ ઘર ખાલી ન કરતાં, પિતાએ વર્ષ 2013માં મકાન ખાલી કરાવવા માટે સિટી સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. કોર્ટમાં પિતાએ 1980થી 1985 સુધી મકાનના હપ્તા ભર્યાના દસ્તાવેજો અને 1989માં મકાનનું એલોટમેન્ટ પોતાના નામે થયાના પુરાવા રજૂ કર્યા હતા.