અમદાવાદના ફતેવાડી કેનાલ પાસે મહિલા કોર્પોરેટરના પરિવાર પર મારામારી અને છેડતીની ઘટના સામે આવી છે. વેજલપુર પોલીસે આ બનાવમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે શનિવારે (17 ઓક્ટોબર) રાત્રે આશરે 10 વાગે મહિલા કોર્પોરેટર પોતાના દીકરો, દીકરાનો મિત્ર અને પોતાની પુત્રવધૂ સાથે ઈસનપુરથી ગરબા જોવા નીકળ્યા હતા. તેઓ ગૂગલ મેપમાં દેખાતા ફતેવાડી કેનાલના શોર્ટકટ રસ્તેથી પસાર થઈ રહ્યા હતા.
પોલીસે જણાવ્યું કે, રસ્તામાં આગળ એક વાહન ચાલક મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. બે-ચાર વાર હોર્ન વગાડવા છતાં તે સાઈડ આપતો નહોતો. કોર્પોરેટરના દીકરાએ ગાડી ઊભી રાખીને તેને નીચે ઉતરવાનું કહ્યું અને સાઈડ કેમ નથી આપતો તેમ પૂછ્યું. આ વાત પર યુવકે ગાળાગાળી કરી અને મારામારી કરી. લોકો ભેગા થઈ જતાં મામલો થાળે પાડીને ગાડી આગળ રવાના કરવામાં આવી.
બાદમાં સરખેજ જવાના ટર્નિંગ પાસે તે જ વાહન ચાલકે ફરી રસ્તો રોકી લીધો. પોલીસ મુજબ, તેના કહેવાથી તેની સાસુ અને બે મિત્રો ત્યાં આવી પહોંચ્યા અને ગાડી રોકીને ગાળો બોલવા તથા ધમકીઓ આપવાનું શરૂ કર્યું. કોર્પોરેટરે કાચ ખોલીને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે સામેવાળાએ તેમનો હાથ પકડીને બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો.
ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓએ કાચ તોડવાના અને દરવાજો ખોલવાના પ્રયાસો કર્યા, ગાડીનો સાઈડ મિરર તોડી નાખ્યો અને મારી નાખવાની ધમકી આપી. આ દરમિયાન એક આરોપીએ મહિલા કોર્પોરેટર સાથે છેડતી પણ કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ઘટનાની જાણ થતાં જ કોર્પોરેટરે 112 નંબર પર ફોન કર્યો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પીડિતોએ વેજલપુર પોલીસ મથકમાં આવીને વિગતવાર ફરિયાદ નોંધાવી, જેમાં કુલ ત્રણ શખસો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. જેમાં શોએબ શાહ ફકીરનું નામ ફરિયાદમાં જણાવાયું છે.
પોલીસે બાતમીના આધારે રાત્રે જ કાર્યવાહી કરીને ત્રણેય શખસોને પકડી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓનો અગાઉનો ગુનાહિત ભૂતકાળ છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.