અમદાવાદમાં આજે વહેલી સવારથી ઠંડક ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ગઈકાલે સમી સાંજે શહેરના એસજી હાઇવે, ગોતા અને ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં હળવો ઝરમર વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં રાજકોટ 38.2 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. વડોદરા, ગાંધીનગર અને ભાવનગરમાં તાપમાન 35 ડિગ્રીથી નીચે ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાન વધુ નીચે જશે અને ઠંડીનો અનુભવ થશે.
હવામાન વિભાગે આજે 30 ઓક્ટોબરે નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ-દાદરા નગર હવેલી, અરવલ્લી અને ભાવનગરમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 31 ઓક્ટોબરે નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, અરવલ્લી અને અમરેલીમાં અમુક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.
આગામી બે દિવસમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે અને ત્યારબાદ ફરી 2થી 3 ડિગ્રીનો વધારો થશે. લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના નથી. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન મજબૂત રહેશે. પવનની દિશા મુખ્યત્વે ઉત્તરથી ઉત્તર-પૂર્વ રહેશે અને ઝડપ 15થી 20 નોટ સુધી રહી શકે છે.
અમદાવાદમાં આજે આકાશ ચોખ્ખું રહેશે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.
અતિ તીવ્ર સાયક્લોનિક વાવાઝોડું 'દાના' હવે ઊંડા દબાણમાં ફેરવાઈ ગયું છે. તેની સ્થિતિ દક્ષિણ છત્તીસગઢ અને ઓડિશાની આસપાસ છે અને આગામી 24 કલાકમાં તે નબળું પડીને ઓછા દબાણમાં ફેરવાઈ જશે. ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારમાં પશ્ચિમી ડિસ્ટર્બન્સ સક્રિય છે, જે 3.1થી 4.5 કિલોમીટરની ઊંચાઈ સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે વિસ્તરેલું છે.