સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં પીવાનું પાણી દૂષિત, બહેરામપુરા અને રામોલમાં લોકો પરેશાન

અમદાવાદમાં પીવાનું પાણી દૂષિત, બહેરામપુરા અને રામોલમાં લોકો પરેશાન

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બની છે. બહેરામપુરાના સંતોષનગર વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી દૂષિત પાણી મળતું હોવા છતાં મ્યુનિસિપલ તંત્ર સમસ્યાનો ઉકેલ લાવી શક્યું નથી. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, નળમાંથી ગટર જેવું ડહોળું પાણી આવે છે. તેના વપરાશને કારણે લોકો પાણીજન્ય અને ચામડીના રોગોનો ભોગ બની રહ્યા છે.

બહેરામપુરાના સંતોષનગર વિસ્તારમાં ચામુંડા માતા ચોકની ચાલી, ચાંદ શહીદ મસ્જિદની ચાલી અને આસપાસના વિસ્તારોમાં સવારે અને સાંજે મ્યુનિ. તંત્ર દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવે છે. જોકે, સ્થાનિક રહીશોની ફરિયાદ છે કે આ પાણી અત્યંત દૂષિત છે અને ગટરના પાણી જેવું દેખાય છે. આ સમસ્યા લગભગ બે મહિનાથી યથાવત્ છે. વિસ્તારના ગરીબ પરિવારો માટે પીવાનું પાણી ખરીદવું આર્થિક રીતે મુશ્કેલ હોવાથી તેમને નાછૂટકે દૂષિત પાણીનો ઉપયોગ કરવો પડે છે. પરિણામે લોકો બીમાર પડી રહ્યા હોવાની ફરિયાદો સામે આવી છે.

સ્થાનિક રહીશોમાં દૂષિત પાણીની સમસ્યાનો લાંબા સમયથી ઉકેલ નહીં આવતાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે તંત્ર પાણીનાં સેમ્પલ લેવાની કામગીરી કરે છે, પરંતુ સમસ્યાના કાયમી ઉકેલ માટે અસરકારક પગલાં લેવાતાં નથી. વધુમાં, બીમાર પડતા લોકોની સારવાર માટે પૂરતી આરોગ્ય સુવિધાઓનો અભાવ હોવાની પણ ફરિયાદ છે. સ્થાનિક રહીશોએ રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સત્વરે મેડિકલ કેમ્પ યોજવાની માગ કરી છે.

બીજી તરફ, અમદાવાદના પૂર્વ ઝોનમાં આવેલા રામોલના ગરુડિયા ટેકરા પાસેના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પાણીની મુશ્કેલી ઊભી થઈ છે. અહીં મ્યુનિ. તંત્ર દ્વારા ટેન્કર મારફતે પીવાનું પાણી પહોંચાડવામાં આવતું હતું, પરંતુ છેલ્લા બે દિવસથી ટેન્કર બંધ કરી દેવાતાં સ્થાનિક લોકો પરેશાન છે. દિવાળીના તહેવારો નજીક હોવા છતાં પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાતાં રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બંને વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાને પગલે સ્થાનિક રહીશોએ તંત્ર પાસે તાત્કાલિક પગલાં લઈ નિયમિત અને સ્વચ્છ પાણી પૂરું પાડવાની માગ કરી છે.