અમદાવાદમાં કાયદો રક્ષકો જ ભક્ષક બન્યાનો કિસ્સો સામે આવ્યો છે. ચાંદખેડા વિસ્તારમાં નરોડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ગૌરાંગ દવેએ 21 સપ્ટેમ્બરની રાત્રે દારૂના નશામાં ફૂલ સ્પીડ કાર હંકારીને એક્ટિવાચાલક અને તેની 15 વર્ષીય ભત્રીજીને અડફેટે લીધા હતા. સ્થાનિક લોકોએ નશામાં ધૂત કોન્સ્ટેબલને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને કોન્સ્ટેબલની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, 21 સપ્ટેમ્બરની રાત્રે આશરે 11 વાગ્યે કાસિન્દ્રાના 40 વર્ષીય આશિષ મહેન્દ્રભાઈ પટેલ પોતાની 15 વર્ષની ભત્રીજીને પાછળ બેસાડીને એક્ટિવા પર સપ્તેશ્વર મહાદેવ મંદિર પાસેથી ચાંદખેડા તરફ જઈ રહ્યા હતા. તે સમયે સ્નેહ પ્લાઝા રોડ તરફથી પૂરઝડપે આવી રહેલી ક્રેટા કારના ચાલકે એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં એક્ટિવા પર સવાર કાકા-ભત્રીજી રોડ પર પટકાયા હતા, જેમાં સગીરાને ડાબા પગ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ભાગવાની કોશિશમાં હતો, પરંતુ આસપાસ એકત્ર થયેલા સ્થાનિક લોકોએ સાહસ દાખવીને તેને સ્થળ પર જ ઝડપી લીધો હતો. તપાસમાં જાણ થઈ કે કાર ચલાવનાર શખ્સ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ ગૌરાંગ બળદેવ દવે છે, જે નિકોલમાં રહે છે અને ઘટના સમયે ચિક્કાર નશામાં ધૂત હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ નશામાં ધૂત કોન્સ્ટેબલને પકડીને ઠોક ચખાડ્યો હતો અને બાદમાં પોલીસને હવાલે કર્યો હતો.
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જ્યારે કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા કર્મચારીઓ જ કાયદાનો ભંગ કરે ત્યારે સામાન્ય નાગરિકોની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો થાય છે. ચાંદખેડા પોલીસે આ મામલે ગુનો નોંધીને કોન્સ્ટેબલ ગૌરાંગ દવેની ધરપકડ કરી લીધી છે અને અકસ્માતમાં ઉપયોગમાં લેવાયેલી ક્રેટા કાર પણ કબજે કરી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નરોડા પોલીસ સ્ટેશન અગાઉ પણ વિવાદોમાં આવી ચૂક્યું છે, જેમાં એક કર્મચારી લાખો રૂપિયાનો તોડ કરતો ઝડપાયા બાદ તેને સસ્પેન્ડ કરવાની ફરજ પડી હતી.