સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ નેતાની પસંદગી માટે હવે દિલ્હીથી નિરીક્ષક, 32 કોર્પોરેટરોની સેન્સ લેશે

અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ નેતાની પસંદગી માટે હવે દિલ્હીથી નિરીક્ષક, 32 કોર્પોરેટરોની સેન્સ લેશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના વિપક્ષ નેતાની પસંદગીનો મુદ્દો હવે દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે. ચૂંટણીના પરિણામ જાહેર થયાને પાંચ મહિના થઈ ગયા છે, તો પણ આ પદ ખાલી છે. હવે AICCએ રાજસ્થાનના ગંગાનગરના સાંસદ કુલદીપ ઇન્દોરાને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ અમદાવાદ આવીને કોંગ્રેસના 32 કોર્પોરેટરોની સેન્સ લેશે અને હાઈકમાન્ડને રિપોર્ટ આપશે.

એપ્રિલ 2026માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી અને પરિણામ જાહેર થયું હતું. કુલ 192 બેઠકોમાંથી ભાજપે 160 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 32 બેઠકો મળી હતી. પરિણામ બાદથી કોંગ્રેસમાં વિપક્ષના નેતાની પસંદગીનો મુદ્દો ચર્ચામાં છે, પરંતુ હજુ સુધી નામ જાહેર થયું નથી.

વિપક્ષના નેતાની પસંદગી માટે પ્રદેશ કોંગ્રેસ સ્તરે કોર્પોરેટરોનો અભિપ્રાય મેળવવાની પ્રક્રિયા થઈ હતી. જોકે, તેમાં અંતિમ નામ નક્કી થઈ શક્યું નહોતું. હવે AICCએ સીધી દખલ કરીને અમદાવાદ માટે અલગ નિરીક્ષક મોકલ્યો છે. કુલદીપ ઇન્દોરા કોંગ્રેસના તમામ 32 કોર્પોરેટરો સાથે ચર્ચા કરીને તેમની પસંદગી અને અભિપ્રાય જાણશે. ત્યાર બાદ સમગ્ર પ્રક્રિયાનો અહેવાલ હાઈકમાન્ડને મોકલાશે. હાઈકમાન્ડના નિર્ણય બાદ જ વિપક્ષના નેતાનું નામ સત્તાવાર રીતે નક્કી થશે.

અમદાવાદમાં વિપક્ષના નેતાના પદ માટે કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરોના નામ ચર્ચામાં છે. અગાઉ વિપક્ષના નેતા રહી ચૂકેલા શેહઝાદ ખાન પઠાણ ઉપરાંત નીરવ બક્ષીનું નામ પણ દાવેદારોમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે, કોને જવાબદારી સોંપવી તે અંગે અંતિમ નિર્ણય હવે AICCની સેન્સ અને હાઈકમાન્ડના નિર્ણય બાદ જ સ્પષ્ટ થશે.

મહત્ત્વનું છે કે માત્ર અમદાવાદ જ નહીં, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ કોંગ્રેસ વિપક્ષના નેતાની પસંદગી કરી શકી નથી. તેથી બંને શહેરોમાં વિપક્ષના નેતાની વરણીનો મુદ્દો હવે AICC સ્તરે પહોંચ્યો છે. અમદાવાદ માટે કુલદીપ ઇન્દોરા અને વડોદરા માટે AICCના રાષ્ટ્રીય સચિવ ગોપીનાથ પાલનીયપ્પનને નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. વડોદરામાં કોંગ્રેસ પાસે માત્ર છ બેઠકો છે, જ્યારે ભાજપે 76માંથી 69 બેઠકો જીતી છે.

આ રીતે અમદાવાદમાં પાંચ મહિના સુધી અટવાયેલી વિપક્ષના નેતાની પસંદગીની પ્રક્રિયામાં હવે દિલ્હીથી સીધી એન્ટ્રી થઈ છે. 32 કોંગ્રેસી કોર્પોરેટરોની સેન્સ બાદ કુલદીપ ઇન્દોરા હાઈકમાન્ડને રિપોર્ટ આપશે અને ત્યારબાદ વિપક્ષના નેતાના નામ અંગે અંતિમ નિર્ણય થવાની શક્યતા છે.