અમદાવાદમાં આવનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને શહેરમાં રસ્તા પહોળા કરવાની અને દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. આ ક્રમમાં મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા રોડને પહોળો કરવામાં આવી રહ્યો છે, જ્યારે ગોમતીપુરમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
મોટેરામાં સાબરમતી ટોલનાકાથી ડી-માર્ટ સામેના રોડ થઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા લગભગ એક કિલોમીટર લાંબા રોડને હાલના 18 મીટરથી વધારીને 61 મીટર પહોળો કરવાનો છે. આ માટે રોડની હદમાં આવતાં રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે અગાઉ અસરગ્રસ્ત મિલકતધારકોને નોટિસ આપી હતી. આ રોડના વિસ્તરણમાં રહેણાંક અને કોમર્શિયલ મળીને 165થી વધુ મિલકતો અસરગ્રસ્ત થઈ છે. અગાઉ 66 કોમર્શિયલ મિલકતો દૂર કરવામાં આવી હતી, જ્યારે હવે લગભગ 76 રહેણાંક મકાનો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તરણમાં બળદેવ નગર, શંકરજીની ચાલી, નિરાંત નગર અને આનંદનગર વિસ્તારનાં મકાનો અસરગ્રસ્ત થયાં છે.
એસ્ટેટ વિભાગના જણાવ્યા અનુસાર, મોટાભાગના રહેવાસીઓએ મકાનો ખાલી કરી દીધાં હતાં. જોકે, કેટલાક લોકોએ ડિમોલિશન શરૂ થયું ત્યારે મકાનો ખાલી કર્યાં હતાં અને ઘરવખરીનો સામાન ફૂટપાથ પર મૂકવાની સ્થિતિ સર્જાઈ હતી. અસરગ્રસ્તોને વૈકલ્પિક મકાનો ફાળવવાની વ્યવસ્થા કરવામાં આવશે અને ત્યાં સુધી ભાડા માટે ચેક આપવામાં આવ્યા છે. રહેઠાણના પુરાવા રજૂ કરનારા 66 જેટલા લોકોએ ભાડાના ચેક સ્વીકાર્યા હોવાનું એસ્ટેટ વિભાગે જણાવ્યું છે. જરૂરી પુરાવા ન આપનારા લોકોને વૈકલ્પિક મકાનો ફાળવવામાં આવ્યા નથી.
બીજી તરફ, ગોમતીપુર વોર્ડમાં પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ખાસ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ગોમતીપુર દરવાજાથી ડાયમંડ ફ્રાય સેન્ટર થઈ ઉષા સિનેમા રોડ અને કૂકડા સર્કલ સુધી તેમજ તુલસીપાર્ક પોલીસ ચોકીથી ઝૂલતા મિનારા થઈ ગોમતીપુર ઢાળ સુધીના ટીપી રોડ પર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં એસ્ટેટ વિભાગના સ્ટાફ સાથે દબાણ ગાડી, જેસીબી મશીન અને એન્ફોર્સમેન્ટ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી. ઝુંબેશ દરમિયાન રસ્તા પરનાં બાંધકામો અને અન્ય દબાણો દૂર કરીને વિવિધ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
ગોમતીપુરમાં હાથ ધરાયેલી કામગીરી દરમિયાન 14 દુકાનો, 23 કોમર્શિયલ શેડ, એક રહેણાંક બાંધકામ, 12 ઓટલા, સાત લારીઓ, લાકડાનાં 16 બોક્સ, 17 બોર્ડ-બેનર અને 45 પરચૂરણ માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો. દબાણ બદલ વહીવટી ચાર્જ પેટે રૂપિયા 10 હજાર વસૂલવામાં આવ્યા હતા.