અમદાવાદ શહેરમાં દોઢ વર્ષના આયોજન બાદ આખરે રેડી મિક્સ કોંક્રિટ (RMC) પ્લાન્ટ માટે નવી પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર થયો છે. આ નીતિ હેઠળ રહેણાંક અને વાણિજ્યિક વિસ્તારોમાં ઓફ-સાઈટ કોમર્શિયલ RMC પ્લાન્ટ સ્થાપવા અને ચલાવવા પર પ્રતિબંધ મુકાશે.
શહેરમાં રસ્તા, બ્રિજ, સોસાયટીઓ અને શોપિંગ કોમ્પ્લેક્સ જેવા બાંધકામની કામગીરી ચાલી રહી છે. આ માટે અંદાજે 50 થી 70 નાના-મોટા RMC પ્લાન્ટ કાર્યરત હોવાનો અંદાજ છે. મ્યુનિસિપલની ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી સમક્ષ નવી નીતિનો ડ્રાફ્ટ રજૂ કરાયો છે.
નવી નીતિ અનુસાર, હવે રહેણાંક અને વાણિજ્યિક વિસ્તારો વચ્ચે કોંક્રિટ બનાવીને અન્ય સાઇટને વેચતા ઓફ-સાઈટ કોમર્શિયલ RMC પ્લાન્ટ ઉભા કરી શકાશે નહીં. ફક્ત ઔદ્યોગિક, કૃષિ અને લોજિસ્ટિક ઝોનમાં જ આવા પ્લાન્ટને મંજૂરી આપવામાં આવશે. બાંધકામની સાઇટ પર જ સ્થાપિત નોન-કોમર્શિયલ RMC પ્લાન્ટને ઝોનના નિયમો લાગુ પડશે નહીં.
પ્રદૂષણ અટકાવવા માટે પ્લાન્ટ સંચાલકોએ સિમેન્ટ અને ધૂળના રજકણો ફેલાતા અટકાવવા ખાસ આયોજન કરવું પડશે. નિયમોનો ભંગ કરનારા અથવા પ્રદૂષણ ફેલાવનારા સંચાલકોને દંડ કરવામાં આવશે. જો કે, દોઢ વર્ષ બાદ પણ આ નવી નીતિ અમલમાં મુકવાની પ્રક્રિયા હજી પૂરી થઈ નથી.