જમીનને બિન-ખેતી (NA) કરવાની અરજી નિર્ધારિત સમયમાં ન નિકાલ કરવાનું અમદાવાદ કલેક્ટરને ભારે પડ્યું છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે કલેક્ટરને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે. આ રકમ કલેક્ટરે પોતાના પગારમાંથી એક મહિનામાં હાઈકોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવવાની રહેશે. જમા થયેલી રકમ અરજદારને અરજીના ખર્ચ પેટે ચૂકવવામાં આવશે.
મામલાની વિગત મુજબ, અરજદારે પોતાની ખેતીની જમીન બિન-ખેતીમાં ફેરવવા માટે ગુજરાત જમીન મહેસૂલ સંહિતાની કલમ 65 હેઠળ અમદાવાદ કલેક્ટર સમક્ષ અરજી કરી હતી. કલેક્ટરે ગણોત ધારાની કલમ 63 હેઠળ મંજૂરી ન હોય તેવા જૂના જમીન વ્યવહારોના આધારે આ અરજી ફગાવી દીધી હતી.
કલેક્ટરના આ હુકમ સામે અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે 2 માર્ચ, 2026ના રોજ કલેક્ટરનો આદેશ રદ કર્યો હતો અને અગાઉના ચુકાદાના આધારે અરજદારની નવી અરજી 90 દિવસની અંદર નક્કી કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો.
હાઈકોર્ટે એ વખતે નોંધ્યું હતું કે કલમ 65 હેઠળ NA પરવાનગી આપતી વખતે કલેક્ટરે ફક્ત અરજદારનો જમીન પરનો કબજો અને જમીનનો પ્રકાર જોવાનો હોય છે. જમીનની માલિકી કે જૂના ટાઇટલની તપાસ કરવાનો અધિકાર કલેક્ટર પાસે નથી.
જોકે, નિર્ધારિત સમયમર્યાદા વીતી જવા છતાં અરજીનો નિકાલ ન થતાં મામલો ફરી હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નોંધ્યું કે કોર્ટના આદેશનું પાલન ન કરવું અને સમયસર યોગ્ય પગલાં ન લેવાં એ કોર્ટની સત્તા અને ન્યાય પ્રણાલીની અવમાનના સમાન છે. આથી કોર્ટે કલેક્ટરને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો અને પોતાના પગારમાંથી એક મહિનામાં રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.