સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના ગોમતીપુર કોલ્ડ સ્ટોરેજમાં દિવાળી પહેલાં 1.02 લાખ કિલો માવાનો જથ્થો મળ્યો

અમદાવાદના ગોમતીપુર કોલ્ડ સ્ટોરેજમાં દિવાળી પહેલાં 1.02 લાખ કિલો માવાનો જથ્થો મળ્યો

અમદાવાદમાં દિવાળી નજીક આવતાં મીઠાઈના વેપારમાં વધારો થયો છે. આ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે ગોમતીપુર વિસ્તારના કોલ્ડ સ્ટોરેજમાં તપાસ કરી હતી. તપાસમાં કોલ્ડ સ્ટોરેજમાં માઈનસ 15થી માઈનસ 18 ડિગ્રી તાપમાનમાં રખાયેલો માવા સહિતનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

કોલ્ડ સ્ટોરેજમાં આશરે 60 જેટલા અલગ અલગ વિક્રેતાઓએ કુલ અંદાજે 1.02 લાખ કિલો જેટલો જથ્થો રાખ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પૈકી આશરે 80 ટકા જથ્થો મુખ્ય 15 વિક્રેતાઓનો છે. કાલુપુર, માણેકચોકના જય હિન્દ સ્વીટ્સ અને પુરોહિત બ્રધર્સ સહિતના જાણીતા મીઠાઈ વેપારીઓનો જથ્થો પણ આ કોલ્ડ સ્ટોરેજમાં રખાયો હોવાનું સામે આવ્યું છે. કોલ્ડ સ્ટોરેજ બે માળનું છે, જેમાં ઉપર અને નીચે એમ બંને ભાગમાં સામાન રખાયો છે.

વેપારીઓ સીઝન દરમિયાન માવાનો જથ્થો રાજ્યના અલગ અલગ ગામડાં અને શહેરોમાંથી મંગાવીને અહીં સ્ટોર કરે છે. ખાસ કરીને દિવાળીના 15 દિવસ પહેલાંથી વેપારીઓ જથ્થો મૂકી જતા હોય છે. કોલ્ડ સ્ટોરેજ દ્વારા આ સ્ટોરેજ માટે પ્રતિ કિલો બે રૂપિયા ભાડું વસૂલવામાં આવે છે.

કોલ્ડ સ્ટોરેજ સાથે સંકળાયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે મીઠાઈ બનાવવા માટેનો માવાનો જથ્થો વેપારીઓ 10થી 15 દિવસ સુધી અહીં રાખે છે. જરૂરિયાત મુજબ તેઓ 500 કે 1000 કિલો જેટલો જથ્થો લઈ જાય છે.

અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં અંબિકા અને પદ્માવતી નામના બે કોલ્ડ સ્ટોરેજ આવેલા છે, જેમાં શહેરના મોટા ભાગના વેપારીઓનો સામાન રખાય છે. અસલાલી નજીક સચિન નામના કોલ્ડ સ્ટોરેજમાં પણ આશરે 35થી 40 હજાર કિલો જથ્થો રખાયો હોવાનું જાણવા મળ્યું છે.

ફૂડ વિભાગની કાર્યવાહીમાં 40 હજાર કિલો શંકાસ્પદ બરફીનો જથ્થો ઝડપાયો હોવાનું પણ સામે આવ્યું છે. કોલ્ડ સ્ટોરેજમાં એક્સપાયરી ડેટ અને બેચ નંબર વગરનો જથ્થો મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

માવો અને બરફી બે અલગ વસ્તુઓ છે. માવો (ખોયા) દૂધમાંથી પાણીનો કેટલોક ભાગ દૂર કરીને તૈયાર કરાય છે. બરફી એક તૈયાર મીઠાઈ છે, જેમાં ખાંડ અને અન્ય ઘટકો હોઈ શકે છે. FSSAIના ધોરણો મુજબ માવો દૂધમાંથી આંશિક રીતે પાણી દૂર કરીને મેળવાયેલો પદાર્થ છે.

ખર્ચ ઘટાડવા માટે કેટલાક વેપારીઓ માવાના બદલે તૈયાર મીઠાઈનો ઉપયોગ કરીને પેંડા કે બીજી મીઠાઈ બનાવે છે, જેથી તેના ઘટકો, મીઠાશ અને સ્વાદ બદલાઈ શકે છે. FSSAIની ભારતીય મીઠાઈઓ અંગેની દિશામાં 'ખોયા આધારિત મીઠાઈ' ફૂડ કેટેગરી 18.1.1.1 હેઠળ દર્શાવાઈ છે.

તૈયાર બરફીનો માવાના વિકલ્પ તરીકે ઉપયોગ કરવાનો અર્થ એ નથી કે માવા વગરની મીઠાઈને માવાથી બનેલી તરીકે રજૂ કરી શકાય. જો માવાનો ઉપયોગ ન થયો હોય તો તૈયાર મીઠાઈને 'માવાનો પેંડો' કે 'માવાની મીઠાઈ' કહીને વેચવાથી ગ્રાહકને ઉત્પાદનની ઓળખ અથવા સામગ્રી અંગે ભ્રમ થઈ શકે છે. વેપારીએ ઉપયોગમાં લેવાયેલા ઘટકો અંગે ગ્રાહકને સાચી માહિતી આપવી જોઈએ.

ગ્રાહકોએ ખરીદી વખતે પૂછવું જોઈએ કે પેંડા કે મીઠાઈમાં માવો વપરાયો છે કે તૈયાર બરફી કે બીજી મીઠાઈનો આધાર લેવાયો છે. કોઈ ચોક્કસ દુકાન સામે કાનૂની કાર્યવાહીનો નિર્ણય માત્ર શંકાના આધારે નહીં, પરંતુ સંબંધિત વિગતો અને જરૂરી તપાસના આધારે લેવામાં આવે છે. ધોરણથી નીચે અથવા બાહ્ય પદાર્થ ધરાવતો ખોરાક વેચી શકાય નહીં.