અમદાવાડના લો ગાર્ડન વિસ્તારમાં આવેલી એક કોફી શોપમાં યુવતી દ્વારા યુવકનું પર્સ ચોરવાની ઘટના સામે આવી છે. આ ચોરી કોફી શોપમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, ત્રાગડમાં રહેતા અને શહેરમાં 'એનીટાઈમ ફિટનેસ જીમ' ચલાવતા રવિન્દ્ર યાદવ 26 સપ્ટેમ્બરના રોજ બપોરે લો ગાર્ડન પાસેની આ કોફી શોપમાં આવ્યા હતા. તેઓ ટેબલ પર બેઠા હતા, ત્યારે તેમને એક ફોન આવ્યો. વાત કરવા માટે તેઓ પોતાની બેગ ટેબલ પર જ મૂકીને બહાર ગયા હતા.
આ તકનો લાભ લઈને એક અજાણી યુવતી તેમના ટેબલ પાસે આવી અને પોતાની બેગ રવિન્દ્રની બેગની બાજુમાં મૂકીને અંદરથી પર્સ લઈ ગઈ. આ સમગ્ર ઘટના કોફી શોપના CCTV કેમેરામાં કેદ થઈ છે.
રવિન્દ્ર જ્યારે પરત ફર્યા અને કારમાં બેસીને તપાસ કરી, ત્યારે તેમને પોતાનું પર્સ ગાયબ હોવાની જાણ થઈ. પર્સમાં 15,000 રૂપિયાની રોકડ અને અમેરિકન એક્સપ્રેસ કંપનીનું ક્રેડિટ કાર્ડ હતું. શંકા જતાં તેમણે તરત જ કોફી શોપના CCTV ફૂટેજ ચેક કરાવ્યા, જેમાં યુવતી ચોરી કરતી સ્પષ્ટ દેખાઈ.
વધુમાં, તેમના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને અલગ-અલગ જગ્યાએથી 27,000 રૂપિયાની ખરીદી પણ થઈ ચૂકી હતી. આ સંબંધમાં રવિન્દ્ર યાદવે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.