સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના સરખેજ-બાકરોલમાં 150 પરિવારોએ બનાવ્યા 30 કરોડ દિવડા, 10 રાજ્યોમાં સપ્લાય

અમદાવાદના સરખેજ-બાકરોલમાં 150 પરિવારોએ બનાવ્યા 30 કરોડ દિવડા, 10 રાજ્યોમાં સપ્લાય

દિવાળી નજીક આવી રહી છે અને દેશભરમાં સ્વદેશી વસ્તુઓની માંગ વધી છે. આ વખતે અમદાવાદના સરખેજ અને બાકરોલ વિસ્તારમાં 100થી 150 પરિવારોએ માટીના કોડિયા બનાવવાનું મોટું ઉત્પાદન કર્યું છે. આ પરિવારોએ 10થી 15 પ્રકારની ડિઝાઇનમાં અંદાજે 30 કરોડ કોડિયા બનાવ્યા છે. આ કોડિયા ગુજરાત સહિત 10 રાજ્યોના વેપારીઓને હોલસેલ ભાવે વેચવામાં આવ્યા છે.

વર્ષોથી માટીકામ કરતા અને છેલ્લા 10-12 વર્ષથી દરેક સીઝનમાં 25-30 લાખ કોડિયા બનાવતા નવીન પ્રજાપતિએ જણાવ્યું કે, “આ સીઝનમાં અમે અંદાજે 25થી 30 લાખ કોડિયા બનાવ્યા છે. આ કોડિયા મહારાષ્ટ્ર, પુણે, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં વેચાયા છે. અમે નાની, મધ્યમ અને મોટી સાઇઝના કોડિયા બનાવ્યા છે. આ ઉપરાંત વિવિધ રંગોના કોડિયા પણ બનાવ્યા છે. ગ્રાહકોની માંગ મુજબ લક્ષ્મીજીના પગલાં અને મોરવાળી નવી ડિઝાઇનના કોડિયા પણ બનાવ્યા છે.”

નવીન પ્રજાપતિએ વધુમાં જણાવ્યું કે, “લોકો હવે માટીની વસ્તુઓને પ્રથમ પ્રાયોરિટી આપે છે. આ વિસ્તારમાં 100થી 150 પરિવારો માટીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ દીવા, માટલા અને પક્ષીઓને પાણી પીવડાવવાના વાસણ જેવી વિવિધ વસ્તુઓ બનાવે છે.”

અન્ય કોડિયા ઉત્પાદક અલ્પેશભાઈએ જણાવ્યું કે, “આ સીઝનમાં અમે 18થી 20 લાખ કોડિયા બનાવ્યા છે અને તેનું વેચાણ સારું રહ્યું છે. અમારા કોડિયા મહારાષ્ટ્ર, મુંબઈ, બિહાર અને કોલકાતા સુધી વેચાયા છે. આ વખતે અમે નાની ઝીરો સાઇઝથી લઈને મોટી સાઇઝ સુધીની દરેક સાઇઝના કોડિયા બનાવ્યા છે.”