સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લેબ રિપોર્ટ હવે વોટ્સએપ પર, OPDમાં ભીડ ઘટાડવા નવી ટોકન સિસ્ટમ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લેબ રિપોર્ટ હવે વોટ્સએપ પર, OPDમાં ભીડ ઘટાડવા નવી ટોકન સિસ્ટમ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હવે લેબ રિપોર્ટ લેવા માટે વારંવાર હોસ્પિટલના ધક્કા ખાવા નહીં પડે. નવી વ્યવસ્થા હેઠળ લેબ રિપોર્ટ સીધા દર્દીના વોટ્સએપ પર મોકલવામાં આવશે.

હોસ્પિટલમાં પહેલા રિપોર્ટ લેવા માટે લાંબી લાઈનો અને ભીડ જોવા મળતી હતી. નવી વ્યવસ્થાથી આ ભીડ ઘટે તેવી ધારણા છે. દર્દીઓને રિપોર્ટ સીધા મોબાઈલ પર મળતા સમય અને મહેનત બંનેની બચત થશે.

OPDમાં ભીડ ઘટાડવા માટે હોસ્પિટલમાં નવી ટોકન સિસ્ટમ પણ લાગુ કરવામાં આવી છે. જેમાં 60 ટકા ફોલો-અપ દર્દીઓને સવારના બદલે હવે બપોરે બોલાવવામાં આવશે. તાવ, શરદી અને ઉધરસ જેવી સામાન્ય તકલીફો માટે રૂમ નંબર 75માં ફેમિલી મેડિસિન OPD શરૂ કરવામાં આવી છે.

ભીડને ધ્યાનમાં રાખીને બિલિંગ કાઉન્ટર 1થી વધારીને 2 કરવામાં આવ્યા છે. તેમજ ઓનલાઈન પેમેન્ટ અને સેમ્પલ કલેક્શન કાઉન્ટર 4થી વધારીને 6 કરવામાં આવ્યા છે. હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ નવી વ્યવસ્થાથી ભીડ વચ્ચે પણ દર્દીઓને વ્યવસ્થિત સારવાર મળી શકશે.

જોકે, નવી સુવિધા સાથે દર્દીઓએ થોડી સાવચેતી પણ રાખવી જરૂરી છે. વોટ્સએપ પર મળતી લિંક કે પીડીએફ ખોટી ન હોય તેની ખાતરી કરવી જોઈએ. ખોટી લિંક કે ખોટી પીડીએફ ડાઉનલોડ ન થાય તે માટે દર્દીઓએ સતર્ક રહેવું જરૂરી છે.