સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ સિવિલમાં 10 મહિનામાં 3054 દારૂ પરમિટ, 95% પુરુષો

અમદાવાદ સિવિલમાં 10 મહિનામાં 3054 દારૂ પરમિટ, 95% પુરુષો

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, તબીબી કારણોસર હેલ્થ પરમિટ લઈને દારૂ પીનારાઓની સંખ્યા વધી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી આ વર્ષે 15 ઓક્ટોબર સુધીમાં 3054 હેલ્થ પરમિટ ઈશ્યૂ થઈ છે. જેમાં 2398 રિન્યુઅલ અને 656 નવી પરમિટનો સમાવેશ થાય છે. એટલે કે, દર 100 પરમિટમાંથી લગભગ 79 રિન્યુઅલ અને 21 નવી પરમિટ હોય છે.

છેલ્લા ત્રણ વર્ષમાં સિવિલ હોસ્પિટલમાંથી કુલ 10,943 હેલ્થ પરમિટ અપાઈ છે. વર્ષ 2023-24માં 4077, 2024-25માં 3186 અને 2025-26માં 3812 પરમિટ આપવામાં આવી હતી.

આ વર્ષે મહિનાવાર આંકડામાં જૂન મહિનો સૌથી આગળ રહ્યો છે, જ્યારે 591 પરમિટ નોંધાઈ છે. આ સમયગાળાના કુલ પરમિટના 19 ટકા જૂનમાં જ અપાયા છે. બીજી બાજુ એપ્રિલ મહિનામાં માત્ર 11 પરમિટ અપાઈ હતી.

પુરુષ અને મહિલાઓના આંકડામાં મોટો તફાવત જોવા મળે છે. 10 મહિનામાં 2885 પુરુષો અને 168 મહિલાઓને પરમિટ અપાઈ છે. એટલે કે પરમિટ લેનારી મહિલાઓનું પ્રમાણ માત્ર 5.5 ટકા છે.

રાજ્યમાં અંદાજે 53 હજારથી વધુ લોકો પાસે દારૂ પીવાની પરમિટ છે. તેમાંથી 66 ટકા લોકો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના છે. અમદાવાદમાં સૌથી વધુ 16,475, સુરતમાં 8,971, રાજકોટમાં 5,403 અને વડોદરામાં 4,180 લોકો દારૂની પરમિટ ધરાવે છે. અન્ય જિલ્લામાં કચ્છમાં 2,932, જામનગરમાં 2,547, આણંદમાં 2,211 અને ગાંધીનગરમાં 1,960 લોકો પાસે દારૂની પરમિટ છે.