અમદાવાદના સિંધુ ભવન રોડ પર બનનાર 'અમદાવાદ સિટી સ્ક્વેર' પ્રોજેક્ટ માટે આખરે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની જાહેરાત વર્ષ 2024-25ના બજેટમાં કરવામાં આવી હતી, અને બે વર્ષ બાદ હવે ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ છે. અંદાજે 570 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા આ પ્રોજેક્ટમાં 175 મીટર ઊંચો આઇકોનિક ટાવર, રેસ્ટોરન્ટ, સ્કાય ડેક, સ્કાય વોક, 50 કોમર્શિયલ દુકાનો, આર્ટ ગેલેરી અને પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવશે.
બોડકદેવ વિસ્તારમાં આવેલા આ પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટરને સોંપાયા બાદ 42 મહિના એટલે કે સાડા ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ શહેરને નવું આકર્ષણ પૂરું પાડશે તેમ માનવામાં આવે છે.
સિટી સ્ક્વેરનું મુખ્ય આકર્ષણ 175 મીટર ઊંચો ટાવર હશે. ટાવરની ટોચ પર સ્કાય ડેક અને સ્કાય વોક બનાવવામાં આવશે, જ્યાંથી મુલાકાતીઓ અમદાવાદ શહેરનો પેનોરેમિક નજારો જોઈ શકશે. વ્યુ ગેલેરીમાં એકસાથે 50થી 75 મુલાકાતીઓ માટે વ્યવસ્થા કરવામાં આવશે. ટાવરની આશરે 40 મીટરની ઊંચાઈએ રેસ્ટોરન્ટ અને તેની ઉપર ટેરેસ ડેક કેફે બનાવવામાં આવશે. ટાવરના 40થી 175 મીટરની ઊંચાઈ વચ્ચે વિશાળ ડિજિટલ સ્ક્રીન લગાવવામાં આવશે, જેના પર ડિજિટલ જાહેરાતો પ્રદર્શિત કરી શકાશે.
પાર્કિંગની સુવિધા માટે જમીનથી આશરે 15 મીટર ઊંડાઈમાં ત્રણ બેઝમેન્ટ બનાવવામાં આવશે. બેઝમેન્ટ-1માં 195 કાર, બેઝમેન્ટ-2માં 190 કાર અને બેઝમેન્ટ-3માં 1,109 ટુ-વ્હીલર માટે પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરાશે. આ ઉપરાંત, સિટી સ્ક્વેરની સામે આવેલા કોર્પોરેશનના અન્ય પ્લોટમાં વધારાની 450 કાર પાર્ક કરી શકાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
પ્રોજેક્ટના લોઅર ગ્રાઉન્ડમાં દુકાનો અને આર્ટ ગેલેરી વિકસાવવામાં આવશે. લોઅર ગ્રાઉન્ડ, અપર ગ્રાઉન્ડ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં કુલ 50 કોમર્શિયલ દુકાનો બનાવવાનું આયોજન છે. અપર ગ્રાઉન્ડ પર ચારેય ખૂણે ફૂડ કિઓસ્ક, ફૂડ કોર્ટ, ગાર્ડન, બેસવાની વ્યવસ્થા અને વોટર ફાઉન્ટેન સાથે અર્બન પ્લાઝા બનાવવામાં આવશે. અહીં આશરે 308થી 310 વ્યક્તિઓની બેઠક ક્ષમતા ધરાવતું એમ્ફીથિયેટર પણ વિકસાવવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોરના આશરે 5,990 ચોરસ મીટર વિસ્તારમાં પ્લાન્ટેશન અને લેન્ડસ્કેપિંગ કરવામાં આવશે.
બિલ્ડિંગમાં વીજળી ઉત્પન્ન કરવા માટે સોલર ટ્રી બનાવવાનું આયોજન છે, જેનાથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ બિલ્ડિંગમાં કરવામાં આવશે. સમગ્ર બિલ્ડિંગમાં કુલ 17 લિફ્ટ રાખવામાં આવશે. તેમાંથી ચાર લિફ્ટ મુલાકાતીઓ માટે, એક રેસ્ટોરન્ટની સેવા માટે અને 12 લિફ્ટ બેઝમેન્ટ પાર્કિંગથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી અવરજવર માટે હશે. મુલાકાતીઓ માટેની ચાર લિફ્ટમાંથી બે લિફ્ટ ટાવરની ટોચ પર આવેલી વ્યુ ગેલેરી સુધી પહોંચશે.
આ પ્રોજેક્ટ શહેરની આગવી ઓળખ સાથે જોડાયેલો હોવાથી ટેન્ડર પ્રક્રિયા દરમિયાન કામ કરવા ઇચ્છુક કોન્ટ્રાક્ટરો માટે ઓરિએન્ટેશન મીટિંગ યોજવામાં આવશે. આ બેઠકમાં પ્રોજેક્ટની ટેકનિકલ અને અન્ય વિગતો સમજાવવામાં આવશે. ટેન્ડર ફાઇનલ કરતાં પહેલાં બે પ્રિ-બીડ મીટિંગ પણ યોજવામાં આવશે, જેથી કોન્ટ્રાક્ટરોને પ્રોજેક્ટ અંગે સ્પષ્ટતા મળી શકે.