અમદાવાદના સિંધુ ભવન રોડ પર બનનારા સિટી સ્ક્વેર પ્રોજેક્ટને લઈને નવો વિવાદ ઊભો થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશને આ પ્રોજેક્ટની સત્તાવાર કિંમત 570 કરોડ રૂપિયા જાહેર કરી છે, પરંતુ બાંધકામ ક્ષેત્રના જાણકારોના મતે વાસ્તવિક ખર્ચ 1200 કરોડ રૂપિયાને પાર કરી જશે. આ સાથે જ અધિકારીઓ દ્વારા શાસકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાનું ચિત્ર પણ ઉપસી આવ્યું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન હાલમાં બાંધકામના તમામ કામો બે વર્ષ જૂના 2024-25ના એસઓઆર (શિડ્યુલ ઓફ રેટ્સ) મુજબ આપે છે. આ પરંપરાને કારણે મોટાભાગના કામો 22થી 25 ટકા ઓનમા આપવા પડે છે. આ જ કારણસર સિટી સ્ક્વેરનું 570 કરોડનું આયોજન ટેન્ડર પાસ થતા સુધીમાં અંદાજે 140થી 150 કરોડ રૂપિયા વધી જશે.
વધુમાં, આ પ્રોજેક્ટ જે જમીન પર સાકાર થવાનો છે તે જમીનની કિંમત ધ્યાને લેવાઈ જ નથી. ભલે જમીન મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની હોય, પરંતુ તેની કિંમત ગણવી જરૂરી છે. સિંધુ ભવન રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર હરાજીથી આપેલા પ્લોટનો ભાવ પ્રતિ ચોરસ મીટર ત્રણ લાખ રૂપિયા સુધી ઉપજ્યો છે. સિટી સ્ક્વેર 13,144 ચોરસ મીટર જગ્યામાં આકાર લેશે, જેના આધારે જમીનની કિંમત અંદાજે 400 કરોડ રૂપિયા થવા જાય છે. આમ, એકંદરે પ્રોજેક્ટની સાચી કિંમત 1200 કરોડ રૂપિયાથી વધુ થઈ જશે.
આટલી મોટી રકમ ખર્ચવાના બદલે અમદાવાદ શહેરની પ્રતિષ્ઠા માટે બનતા આ પ્રોજેક્ટને બદલે આરોગ્ય અને શિક્ષણ જેવી પ્રજાલક્ષી જાહેર સુવિધાઓ પર ધ્યાન આપવું વધુ યોગ્ય ગણાશે. હજી પણ શહેરના 30થી 40 ટકા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે.
બીજી તરફ, કરોડોના ખર્ચ બાદ સિટી સ્ક્વેરના 175 મીટર ઊંચા ટાવરની વ્યુ ગેલેરીમાં એક સાથે ફક્ત 75 લોકો જ ઊભા રહી શકશે. આ ગણતરી મુજબ દિવસ દરમિયાન ખૂબ ઓછા લોકોને ઊંચાઈથી અમદાવાદ જોવાનો લાભ મળશે.
ઉલ્લેખનીય છે કે, સિટી સ્ક્વેર પ્રોજેક્ટ જાહેર થયાના બીજા જ દિવસે મેયરે ઈજનેરોને બોલાવીને ક્લાસ લીધો હતો. તાજેતરમાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં પણ સમિતિના સભ્યોએ ઈજનેરો સામે સવાલ ઉઠાવ્યા હતા. ખાસ કરીને આટલી મોટી રકમના પ્રોજેક્ટ અંગે હાલના શાસકોને કોઈ જાણકારી ન હોવાની વાત ચર્ચાનું કેન્દ્ર બની છે.