અમદાવાદના મટોડા GIDC વિસ્તારમાં આવેલી ચોકલેટ બનાવતી એક કંપનીમાં 6 નવેમ્બરની રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે કંપની પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ, પોલીસ અને સ્થાનિક તંત્રનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
અમદાવાદથી બાવળા તરફ જતા હાઈવે પર મટોડા GIDC નજીક આવેલી આ કંપનીમાં રાત્રે આગ લાગતાં કંપનીમાંથી ધુમાડાના કાળા ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા. આગની ગંભીરતાને પગલે ચાંગોદર પોલીસ સ્ટેશનનો કાફલો અને ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. સમયસર કામદારો બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, કંપનીમાં માલસામાન અને મશીનરીને નુકસાન થયું હોવાની આશંકા છે.
આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. હાલ ફાયર વિભાગની ટીમો આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી કરી રહી છે.