અમદાવાડના સરખેજ રેલવે સ્ટેશનથી આગળ ધોળકા રોડ પર આવેલા ફતેહવાડી વિસ્તારમાં શંકાસ્પદ ક્લોરિન ગેસ ગળતરની ઘટના સામે આવી છે. ગેસના કારણે આસપાસના રહીશોને આંખોમાં તીવ્ર બળતરા અને ખાંસી ઉપડતાં લોકો ભયભીત થઈને ઘરોની બહાર દોડી આવ્યા હતા.
સ્થાનિકો દ્વારા કંટ્રોલ રૂમને જાણ કરતાં જ ફાયર બ્રિગેડની 5થી 6 ગાડીઓ, 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થિતિ કાબૂમાં લેવાની કવાયત શરૂ કરી હતી.
પ્રાથમિક તબક્કે ક્લોરિન ગેસ લીક થયો હોવાની ચર્ચા છે, જોકે ફાયર વિભાગ અને નિષ્ણાતો આ અંગે સત્તાવાર તપાસ ચલાવી રહ્યા છે.
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક વિગતો મુજબ, ફતેહવાડી વિસ્તારમાં અચાનક વાતાવરણમાં તીવ્ર વાસ ફેલાઈ ગઈ હતી. જોતજોતામાં વાસ એટલી તીવ્ર બની ગઈ કે લોકોની આંખોમાંથી પાણી નીકળવા લાગ્યા હતા અને શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી થઈ હતી.
બનાવની ગંભીરતાને જોતાં 108ની ટીમોએ અસરગ્રસ્તોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવાની તજવીજ શરૂ કરી હતી. ફાયર વિભાગે ગેસ ક્યાંથી અને કયા સ્ત્રોતમાંથી લીક થઈ રહ્યો છે તે શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
પોલીસે ભીડ એકઠી ન થાય અને રાહત કામગીરીમાં અવરોધ ન આવે તે માટે વિસ્તારની ઘેરાબંધી કરી ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે.
ક્લોરિન ગેસ સામાન્ય રીતે પાણી શુદ્ધીકરણ પ્લાન્ટ, કેમિકલ પ્રોસેસિંગ યુનિટ્સ અથવા ઔદ્યોગિક વપરાશમાં ઉપયોગમાં લેવાય છે. ફતેહવાડી વિસ્તારમાં કોઈ સ્ક્રેપના ગોડાઉનમાં જૂનો સિલિન્ડર કાપતી વખતે આ લીકેજ થયું છે, કોઈ અનધિકૃત ફેક્ટરીમાંથી વાલ્વ લીક થયો છે કે રોડ પરથી પસાર થતાં વાહનમાંથી આ અસરો ઊભી થઈ છે તે દિશામાં ફાયર ઓફિસરો ગેસ ડિટેક્શન કીટ સાથે તપાસ કરી રહ્યા છે.