અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાંથી 2 ઓક્ટોબરે ચોરાયેલું 37 દિવસનું બાળક 38 કલાક બાદ તેના માતા-પિતાને પરત મળ્યું છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે એક યુવતી, બે સગીરો અને ઉત્તર પ્રદેશના એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ 10 લાખ રૂપિયામાં બાળકને વેચવાનો સોદો કર્યો હતો.
ઘટનાની શરૂઆત 2 ઓક્ટોબરે સવારે 2 વાગે થઈ, જ્યારે અહુલવાડિયા તળાવ પાસે ફૂટપાથ પર સૂતા શ્રમજીવી દંપતીનું 37 દિવસનું બાળક એક અજાણી વ્યક્તિ ખાટલામાંથી ઉઠાવીને લઈ ગઈ હતી. દંપતીને સવારે 3:15 વાગે બાળક ચોરાઈ ગયાની જાણ થતાં તેઓએ પોલીસને જાણ કરી. સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી, અને ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં સાબરમતી પોલીસ, ક્રાઇમ બ્રાન્ચની 6 ટીમો, ઝોન 2 અને ઝોન 3 એલસીબી સહિત 100 જેટલા અધિકારી-કર્મચારીઓ તપાસમાં જોડાયા.
રાતોરાત રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર ચેકિંગ કરીને નાકાબંધી કરવામાં આવી. 3 ઓક્ટોબરે સાંજે 4 વાગે બાળક તળાવ પાસેથી જ મળી આવ્યું. એક અજાણ્યા વ્યક્તિએ પોલીસને બાળક અંગે જાણ કરી, જેથી પોલીસે બાળકને માતા-પિતાને બતાવ્યું અને તેમને સોંપી દીધું.
ત્યારબાદ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં એક એક્ટિવા પર આવેલી યુવતીએ બાળકને ઉઠાવ્યું હોવાનું દેખાયું. પોલીસે તપાસ હાથ ધરતાં ચોરી કરનારી યુવતી જીનલ પરમાર રાણીપમાંથી જ મળી આવી. પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ કરી.
પૂછપરછમાં જીનલે જણાવ્યું કે, તે અગાઉ નોઇડામાં ઝેપટો કંપનીમાં કામ કરતી હતી, ત્યારે બે સગીરો પણ કામ કરતાં હતાં અને ભુવનેશ નામનો યુવક પણ કામ કરતો હતો. ભુવનેશે જીનલને એક મહિનાનું બાળક શોધવા જણાવ્યું હતું અને બાળક લઈ આપે તો તેને અને બે સગીરોને 2-2 લાખ રૂપિયા આપવાની ઓફર કરી હતી.
જીનલે અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારોમાં બે સગીરો સાથે મળીને બાળક શોધવાનું શરૂ કર્યું. સોલા સિવિલમાં તેણે એક બાળકી પર નજર રાખી, પરંતુ તે બાળકી હોવાથી ચોરી ન કરી. બાદમાં ન્યૂ રાણીપના તળાવ પાસે માતા-પિતા સાથે સૂતેલું બાળક દેખાતાં તેની ચોરી કરી.
ત્રણેય જણા બાળકને લઈને સાબરમતી રેલવે સ્ટેશનથી નોઇડા જવાના હતા, પરંતુ રેલવે સ્ટેશન પર પોલીસની ચેકિંગ દેખાતાં તેઓ ત્યાંથી નીકળી ગયા. લગભગ 38 કલાક સુધી બાળક સાથે રાખ્યા બાદ પોલીસ ચેકિંગના કારણે બાળકને લઈ જઈ શકાયું નહીં, જેથી તેને તળાવ પાસે જ લાવારીસ હાલતમાં મૂકી દીધું.
સમગ્ર મામલે ભુવનેશની પણ યુપીથી ધરપકડ કરવામાં આવી છે. ભુવનેશે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે, તેને આ બાળક એક સગીરને આપવાનું હતું અને સગીર બાળકને એક નિઃસંતાન દંપતીને આપવાનો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં બે સગીરો, 21 વર્ષીય જીનલ અને 23 વર્ષીય ભુવનેશની ધરપકડ થઈ ચૂકી છે. હજુ આ રેકેટમાં ભુવનેશને કામ આપનાર એક સગીર અને અન્ય આરોપીઓ સંડોવાયેલા છે, જેની તપાસ ચાલી રહી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, નિઃસંતાન દંપતી 1 મહિના સુધીની જ બાળક ખરીદવાનો આગ્રહ રાખે છે, કારણ કે એક મહિના સુધીનું બાળક હોય તો તેને સમાજમાં પોતાના બાળક તરીકે બતાવી શકાય. આ કેસમાં પણ જે નિઃસંતાન દંપતીએ બાળક ખરીદવા પૈસા આપ્યા હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પહેલાં 1 ઓગસ્ટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઇવે નંબર 48 પર દરોડો પાડીને બાળ તસ્કરીના આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, જેમાં ગુજરાતથી બાળક ખરીદીને મુંબઈમાં વેચવાનું રેકેટ સામે આવ્યું હતું. આરોપીઓએ દાંતાની હોસ્પિટલમાં જન્મેલા બાળકનો 3 લાખમાં સોદો કર્યો હતો.