સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના વટવામાં કેમિકલ વેપારી સાથે 18 કરોડની છેતરપિંડી, 179 ચેક રિટર્ન

અમદાવાદના વટવામાં કેમિકલ વેપારી સાથે 18 કરોડની છેતરપિંડી, 179 ચેક રિટર્ન

અમદાવાદના વટવા વિસ્તારમાં કેમિકલનો વેપાર કરતા એક વેપારી સાથે રૂ. 18.03 કરોડની છેતરપિંડીનો કેસ પોલીસમાં નોંધાયો છે. આરોપી ભાનુપ્રસાદ મોતીલાલ પટેલ, જે વટવા ખાતે આવેલી એટેક્ષ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝના માલિક છે, તેમણે ફરિયાદી સંજય લાલજીભાઈ ગુપ્તાની કંપની સિદ્ધિ વિનાયક એન્ટરપ્રાઇઝ પાસેથી મોટા પ્રમાણમાં કેમિકલ અને રો-મટીરીયલ ખરીદ્યું હતું, પરંતુ બાકીની રકમ ચૂકવી નથી.

ફરિયાદ મુજબ, સંજય ગુપ્તાની કંપની કલર બનાવવાના રો-મટીરીયલ અને કેમિકલનો વેપાર કરે છે. ભાનુપ્રસાદ પટેલે એપ્રિલ 2024 થી જાન્યુઆરી 2026 સુધીમાં કુલ રૂ. 70,17,92,907ના વિવિધ કેમિકલ ખરીદ્યા હતા. આ ખરીદીના બિલો પેટે તેમણે ફેબ્રુઆરી 2026 સુધીમાં ટુકડે-ટુકડે રૂ. 52,13,93,090 ચૂકવ્યા હતા. જોકે, રૂ. 18,03,99,817ની રકમ બાકી રહી ગઈ હતી.

આરોપ છે કે ભાનુપ્રસાદ પટેલે ખરીદેલા કેમિકલમાંથી ડાઈસ બનાવીને બજારમાં વેચી દીધા અને તેમાંથી મળેલી રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધી. બાકીની રકમની વારંવાર ઉઘરાણી કરવા છતાં તેમણે બહાનાં અને વાયદા કરીને આજદિન સુધી ચૂકવણી કરી નથી.

ખરીદીના બાકી બિલ પેટે આરોપીએ ડિસેમ્બર 2025થી ફરિયાદીને કુલ 179 ચેક આપ્યા હતા, પરંતુ બેંક ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાથી આ તમામ ચેક રિટર્ન થયા હતા. આ બાબતે ફરિયાદીએ પોતાના વકીલ દ્વારા રજિસ્ટર એ.ડી.થી કુલ 64 નોટિસ મોકલી હોવા છતાં આરોપીએ કોઈ જવાબ આપ્યો ન હતો કે રકમ ચૂકવી ન હતી.

આખરે ફરિયાદીએ પોલીસ કમિશનરને અરજી કરતાં પોલીસે ભાનુપ્રસાદ પટેલ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.