અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ખાનગી ચાર્ટર પ્લેન અને હેલિકોપ્ટરની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. એરપોર્ટ પર મહિને આશરે 200 ચાર્ટર પ્લેનની અવર-જવર થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં આ માંગ બમણી થઈ છે.
અગાઉ આ સેવાનો ઉપયોગ મુખ્યત્વે ઉદ્યોગપતિઓ પૂરતો મર્યાદિત હતો, પરંતુ હવે મધ્યમ અને ઉચ્ચ આવક ધરાવતા પરિવારો પણ પ્રાઇવેટ જેટ બુક કરાવી રહ્યા છે. લગ્ન, ધાર્મિક યાત્રા કે પારિવારિક પ્રસંગો માટે ખાનગી વિમાનનો ઉપયોગ વધ્યો છે.
કુંભમેળા જેવા ધાર્મિક આયોજનો તેમજ IPL અને કોન્સર્ટ જેવા પ્રસંગોએ ચાર્ટર પ્લેન માટે વેઇટિંગ પણ જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન એરક્રાફ્ટની અવર-જવર ખાસ કરીને વધી જાય છે.
ખર્ચની વાત કરીએ તો, અમદાવાદ એરપોર્ટ પર ખાનગી એરક્રાફ્ટ લેન્ડ થાય ત્યારે 50 હજારથી 3 લાખ રૂપિયા સુધીનો ગ્રાઉન્ડ હેન્ડલિંગ ચાર્જ લાગે છે. સોમનાથ કે દ્વારકા જવા માટે એરક્રાફ્ટનું ભાડું અંદાજે 2.5 લાખથી 25 લાખ રૂપિયા સુધીનું હોય છે, જ્યારે હેલિકોપ્ટરનું એક કલાકનું ભાડું 1 લાખથી 5 લાખ રૂપિયા સુધીનું હોય છે.
અમદાવાદમાં અદાણી, ઝાયડસ, એચ એન સફલ અને નિરમા ગ્રુપ જેવી મોટી કોર્પોરેટ કંપનીઓ પાસે પોતાના હેલિકોપ્ટર કે પ્લેન છે. વેન્ચુરા, ડ્યુસ એર અને જેસ્ટ એવિએશન જેવી કંપનીઓ ચાર્ટર સેવા પૂરી પાડે છે. એરપોર્ટ પર ખાનગી મુસાફરી માટે અંદાજે 20 એરક્રાફ્ટ અને 12 પાર્કિંગ સ્ટેન્ડ ઉપલબ્ધ છે.