સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: મોટેરા પોલીસ સ્ટેશન ઉદ્ઘાટન માટે ચાંદખેડા-આઈ.ઓ.સી. રોડ 5 નવેમ્બરે 12 કલાક બંધ

અમદાવાદ: મોટેરા પોલીસ સ્ટેશન ઉદ્ઘાટન માટે ચાંદખેડા-આઈ.ઓ.સી. રોડ 5 નવેમ્બરે 12 કલાક બંધ

અમદાવાદમાં મોટેરા પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે ચાંદખેડાથી આઈ.ઓ.સી. તરફ જતો મુખ્ય માર્ગ 5 નવેમ્બરે 12 કલાક માટે બંધ રહેશે. અમદાવાદ પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.

જાહેરનામા મુજબ, મધ્યરાત્રિ 00:00 કલાકથી બપોરે 12:00 કલાક સુધી આ માર્ગ પર વાહનવ્યવહાર પર પ્રતિબંધ રહેશે. ચાંદખેડા ચાર રસ્તાથી આઈ.ઓ.સી. તરફ જતો ગુજરાત હાઉસિંગ બોર્ડ એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા સુધીનો રસ્તો તમામ પ્રકારના ખાનગી વાહનો માટે બંધ રહેશે.

આ પ્રતિબંધમાંથી માત્ર કાર્યક્રમ સાથે સંકળાયેલા સરકારી વાહનો, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા ઈમરજન્સી વાહનોને છૂટછાટ આપવામાં આવી છે. સામાન્ય વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે.

વૈકલ્પિક રૂટ મુજબ, વાહનચાલકોએ ચાંદખેડા ચાર રસ્તાથી ઝુંડાલ સર્કલ તરફ જઈ સત્યમેવ હોસ્પિટલ પાસેથી ડાબી બાજુ વળવું પડશે. ત્યાંથી કડી નાગરિક બેંક ચાર રસ્તા થઈને ફરી ડાબી બાજુ વળી આઈ.ઓ.સી. રોડ તરફ જવું પડશે.

સામાન્ય દિવસોમાં પણ આ માર્ગ પર સતત વાહનોની અવરજવર રહે છે. તહેવારોના સમયગાળામાં આ માર્ગ બંધ થતાં આંતરિક રસ્તાઓ પર ટ્રાફિક જામ થવાની શક્યતા છે. સ્થાનિક રહીશો અને નોકરીયાત લોકોએ આ અગવડતા અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે.