અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ શાકમાર્કેટ પાસે આવેલ બગીચાની ઝાડીઓમાં ચાલતા જુગારધામ પર પીસીબી (PCB)એ 15 ઓક્ટોબરે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 12 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હર્ષદ બળદેવભાઈ રાવત અને તેના સાગરીતો ભાગી છૂટવામાં સફળ રહ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા 63,700, 14 મોબાઈલ ફોન, 65 પત્તા પાના અને પ્લાસ્ટિકના મેણીયા સહિત કુલ રૂપિયા 1,94,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પીસીબીની ટીમ 15 ઓક્ટોબરના રોજ પેટ્રોલિંગમાં હતી ત્યારે બપોરે બાતમી મળી હતી કે ચાંદખેડા ગુજરાત હાઉસિંગ શાકમાર્કેટમાં આવેલ બગીચાની ઝાડીઓ પાસે કેટલાક શખ્સો ભેગા થઈને જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે બે પંચોને બોલાવીને તેમની સાથે રેડ કરી હતી. પોલીસને જોતાં જ એક શખ્સે બૂમ પાડી હતી, જેથી જુગાર રમી રહેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે પીછો કરીને 12 આરોપીઓને પકડી પાડ્યા હતા, જ્યારે અન્ય કેટલાક ભાગી છૂટ્યા હતા.
પકડાયેલા આરોપીઓએ તપાસમાં કબૂલાત કરી હતી કે આ જુગારધામ હર્ષદ બળદેવભાઈ રાવત ચલાવતો હતો. પોલીસની રેડ પડતાં જ રાવત તેનો એક મોબાઈલ ફોન મૂકીને તેના માણસ સાથે ભાગી ગયો હતો. પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સ્થાનિક પોલીસની રહેમરાહ હેઠળ આ જુગારધામ ચાલતું હોવાની ચર્ચા વચ્ચે આ દરોડાએ અનેક સવાલો ઉભા કર્યા છે.